- હવે રાજ્યમાં લશ્કરી દળોની કુલ 210 કંપનીઓ તૈનાત
- સંવેદનશીલ મથકોની સંખ્યા 33 ટકાને પહોંચતાં વધુ કુમકની જરૂરિયાત
- શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્રારા સવિશેષ વ્યવસ્થા કરાઇ
ગુજરાતમાં 7 મી એપ્રિલે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્રારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ વધુ કંપનીઓનો જથ્થો રાજ્યમાં મોકલી આપ્યો છે. આ અગાઉ રાજયમાં 20 કંપનીઓ પહેલા આવી ચુકી છે. બાદમાં 160 કંપનીઓ ફાળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે. આમ, રાજ્યની 225 કંપનીઓની માંગણી સામે કુલ 210 કંપનીઓ ચૂંટણી માટે રાજ્યને આપવામાં આવી છે. જો કે છેલ્લે 2019ની ચૂંટણી વખતે ફાળવાયેલી 173 કંપનીઓની તુલનામાં આ ચૂંટણીમાં રાજ્યને વધુ 37 કંપનીઓ એલોટ થઈ છે.હાલમાં તમામ જિલ્લામાં આર્મીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યુ છે ખાસ કરીને મહત્વના લોકસભાક્ષેત્રોમાં વધુ કુમક તકેદારીના ભાગરૂપે ખડકાઈ છે. તદુપરાંત ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા વધતાં આવા પ્રત્યેક મથકોની બહાર પણ આર્મીના ચાર સશસ્ત્ર જવાનો મૂકાયા છે,
કુલ 50788 મથકો પૈકી 33 ટકા ક્રિટીકલ કેટીગરીમાં મુકાયા
છેલ્લે 2019માં ક્રિટિકલ મતદાન મથકોની સંખ્યા 14062 હતી, તેના કરતા 2024માં આ સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કુલ 50788 મથકો પૈકી 32-33 ટકા મથકો હવે ક્રિટિકલ કેટેગરીમાં આવી ગયાં છે. હાલમાં જે 210 કંપનીઓ રાજ્યને ફાળવાઈ છે, તે પૈકી રાજ્યમાં કાયમી ધોરણે રહેતી 112 જેટલી એસઆરપીની કંપનીઓમાંથી 10 કંપની રાજ્યને મળી છે, જ્યારે એસઆરપીની અન્ય કંપનીઓ અન્ય રાજ્યોમાં મુકાઈ છે.


