- વધુ ત્રણ પ્રીમાઇસિસમાં સર્ચ, 500 કરોડના બેનામી હિસાબો મળ્યા
- ચોથા દિવસે પણ ITના દરોડા યથાવત્
- બિલ્ડરો સાથે સંકળાયેલા મુંબઈ-ગુજરાતના દલાલોનું લિસ્ટ તૈયાર કરાયું
ગાંધીનગર બિલ્ડર ગ્રૂપ પીએસવાય અને વિનાયક ગ્રૂપ પર આયકર વિભાગે ગુરુવારે સવારે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જે ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. જોકે પહેલા 27 પ્રિમાઇસીસ પર દરોડા પાડયા હતા. જેમાં ત્રણ પ્રિમાઇસીસ વધતાં કુલ 30 પ્રિમાઇસીસ પર દરોડાની કામગીરી ચાલી રહી છે, જેના માટે વધુ 15 અધિકારીઓને પણ દરોડાની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. આ ગ્રૂપની ગાંધીનગર બહાર છેક દહેગામ અને કલોલ સુધી પણ મોટી જમીનો હોવાની વિગતો સામે આવી રહી છે. ગાંધીનગરમાં ફરતા જમીન દલાલો બે દિવસથી અદૃશ્ય થઇ ગયા છે.
અમદાવાદ, મહેસાણા, સુરત,વડોદરા અને સૌરાષ્ટ્રના બિલ્ડોરો પર ત્રાટક્યા બાદ આયકર વિભાગે ગાંધીનગરા બિલ્ડર ગ્રૂપ પીએસવાય અને વિનાયક ગ્રૂપ પર દરોડા પાડીને કરચોરી શોધવાની કામગીરી આદરી છે ચાર દિવસમાં 500 કરોડના બિન હિસાબી વ્યવહારો, 15 બેંક લોકર, રોકડ રૂપિયા અને કરોડોની ઝવેરાત મળી આવી હતી. પીએસવાય ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલા બીજા ગ્રૂપને દરોડામાં આવરી લેવામાં આવ્યા છે. ગાંધીનગરના સેકટર-8, સેકટર-21, પીડીપીયુ રોડ, ભાટ, સરઘાસણમાં આવેલી બિલ્ડર્સની ઓફ્સિો અને તેમના રહેઠાણો પર આવકવેરાના અધિકારીઓની ટીમે ચાર દિવસથી તપાસ કરી રહી છે. પીએસવાય ગ્રૂપના અને વિનાયક ગ્રૂપના બિલ્ડર નિલય દેસાઇ, વિક્રાંત પુરોહિત, જ્ય પુરોહિત, બંકિમ જોશી સહિતના ડાયરેકટરોનો ત્યાંથી ઘણી વગતો મળી આવી છે.
TP સ્કીમમાં ધાર્યું કરાવવાની હઠ ભારે પડી હોવાની ચર્ચા
ઇનકમ ટેક્સના દરોડામાં એક જૂથના તત્વો સામે આકરી તપાસ શરૂ થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સાથે તેઓ જમીનની લે-વેચમાં પણ સક્રિય હતા. અમદાવાદ શહેરની સાથે ગાંધીનગરના વિકાસને પણ પાંખો આવી તે પહેલાથી તેઓ સ્થાનિક સ્તરે સક્રિય હતા. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની હદનું ચારેક વર્ષ પહેલા વિસ્તરણ થયું હતું. આ સાથે 18 ગામ અને પેથાપુર પાલિકા ગાંધીનગરમાં ભળ્યા હતા. જેના કારણે અગાઉ ખેતીની જમીન હતી, તેવા વિસ્તારોના વિકાસ માટે કવાયત શરૂ થઈ હતી. આ સમયગાળામાં વિનાયક બિલ્ડર્સ અને પીએસવાય બિલ્ડર્સને મોકળું મેદાન મળ્યું હતું. ચર્ચા મુજબ, તેઓ અગાઉથી એ પ્રકારની જમીનોમાંરોકાણ કરતા હતા, જ્યાં 6-12 મહિનામાં જંગી વળતરની શક્યતા રહેતી હતી. વળી, ન્યૂ ગાંધીનગરમાં નવા મકાનોની કિંમત નક્કી કરવામાં પણ તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. સમય જતાં ગાંધીનગર બહારના રોકાણકારો અને બિલ્ડરોને પણ જમીન-બિલ્ડિંગમાં રસ જાગ્યો. બીજી તરફ્ ગાંધીનગર મ્યુનિ.ની હદમાં સતત નવી ટીપી સ્કીમો બની રહી હતી. અગાઉની જેમ પોતાના લાભને ધ્યાને રાખીને ટીપી સ્કીમ પડાવવાની જીદના કારણે જ તેમને કેટલાક મજબૂત માથાઓ સાથે ચડસાચડસી થઈ હોવાનું કહેવાય છે. આ ચડસાચડસીના કારણે જ તેમના ખાનગી વ્યવહારોની ગુપ્ત માહિતી ઇનકમ ટેક્સની ટીમ સુધી પહોંચી હોવાની શક્યતા છે. ટીપી સ્કીમના આ ખેલમાં ઊંડી તપાસ હાથ ધરાય તો વગદાર સ્થાનિક રાજકારણીઓ અને વર્ષોથી પગ જમાવીને બેઠેલા અધિકારીઓ સુધી રેલો પહોંચી શકે છે.


