- ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી પાણીમાં ટ્રેક્ટર સાથે ફસાયેલા 4 લોકોને બહાર કાઢ્યા
- ટ્રેક્ટરને અન્ય ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચવામાં આવ્યું
- શહેરમાં અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી
ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે શહેરમાં કેટલીક જગ્યાઓએ વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે કલોલના પૂર્વ વિસ્તારમાં જવા માટે બનાવવામાં આવેલા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા અને આ પાણીમાં 4 લોકો ફસાયા હતા.
પાણીમાં ટ્રેક્ટર સાથે 4 લોકો ફસાયા
શહેરના અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં ટ્રેક્ટર સાથે ચાર લોકો ફસાયા હતા, વરસાદી પાણી ભરાઈ ગયુ હતું જેમાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાણીનો પ્રવાહ વધારે હોવાથી ટ્રેક્ટર આગળ વધી શક્યું નહીં અને ચારેય લોકો ટ્રેક્ટર સાથે અંડરબ્રિજમાં ફસાયા હતા. ત્યારે ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયરની ટીમ દોડતી આવી હતી અને 4 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી બચાવી લીધા
ફાયરની ટીમ ઘટના સ્થળે આવીને વરસાદી પાણીમાં ફસાયેલા ટ્રેક્ટરને અન્ય ટ્રેક્ટર સાથે દોરડાથી બાંધીને ખેંચવામાં આવ્યું અને ચારેય લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે ચારેય લોકો સલામત રીતે બહાર આવ્યા બાદ હાશકારો વ્યક્ત કર્યો હતો અને તંત્રનો આભાર માન્યો હતો.
હવામાન વિભાગે આગામી 6 દિવસ છૂટા છવાયા વરસાદની કરી આગાહી
આગામી છ દિવસ રાજ્યમાં છૂટો છવાયા વરસાદની શક્યતા છે અને માછીમારોને અગામી પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. બે દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે, આજે સામાન્યથી મધ્યમ ગાજવીજ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ રહેશે. ત્યારે 2જી ઓગસ્ટથી સાયકલોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા વરસાદી વાતાવરણ રહેશે.
અત્યાર સુધી રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે.


