- વીજક્ષમતા વધારવા બે કંપનીઓ વચ્ચે MOU, પાંચ વર્ષમાં વીજળીની જરૂરિયાત વાર્ષિક 6 ટકાથી વધુ દરે વધી
- GMDC રાજ્યમાં લિગ્નાઇટ આધારિત 1,250 મેગાવોટની નવી ક્ષમતા પણ ઊભી કરશે
- રાજ્યમાં 2023-24 દરમિયાન વીજળીની મહત્તમ માગ 24,544 મેગાવોટ નોંધાઈ
ગુજરાત સરકારની બે કંપનીઓ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલ તથા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ-જીએમડીસી વચ્ચે એમઓયુ થયો છે, જે અંતર્ગત કોલસા અને લિગ્નાઇટ આધારિત નવા વીજમથકો ઊભા કરવામાં આવશે તથા જૂના કાર્યરત વીજમથકોને અપગ્રેડ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વીજળીની જરૂરિયાત વાર્ષિક 6 ટકાથી વધુ દરે વધી રહી છે, રાજ્યમાં 2023-24 દરમિયાન વીજળીની મહત્તમ માગ 24,544 મેગાવોટ નોંધાઈ છે અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના 20મા ઇપીએસ રિપોર્ટના અંદાજ મુજબ વીજમાગ 2031-32માં 36,000 મેગાવોટ સુધી પહોંચી શકે છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજ્યમાં વીજક્ષમતા વધારવા માટે જીયુવીએનએલ તથા જીએમડીસી વચ્ચે સમજૂતી કરાર થયો છે.
જીએમડીસી પાસે અત્યારે કચ્છમાં અક્રીમોટા ખાતે 125-125 મેગાવોટના 2 લિગ્નાઇટ આધારિત વીજમથકો છે. રાજ્ય સરકાર એવું કહે છે કે, જીએમડીસી રાજ્યમાં વધુ લિગ્નાઇટ ખાણોને કાર્યરત કરવાની દિશામાં પ્રયત્નશીલ છે, જેનાથી વધુ 1,250 મેગાવોટ લિગ્નાઇટ આધારિત વીજક્ષમતા ઊભી થઈ શકશે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, જીસેક હેઠળની કચ્છ લિગ્નાઇટ કંપની પાનન્ધ્રો ખાતે 70-70 મેગાવોટના બે લિગ્નાઇટ આધારિત મથકો ધરાવે છે, પણ એમાંથી બહુ ઉત્પાદન મેળવવામાં આવે છે.
રાજ્ય સરકાર ઓડિશામાં 4,400 મે.વો. ક્ષમતાના થર્મલ વીજમથકો સ્થાપશે : ઊર્જામંત્રી
ભારત સરકારે જીએમડીસીને ગત વર્ષે ઓડિશા રાજ્યમાં અંગુલ જિલ્લામાં બેત્રણી જિલ્લામાં પશ્ચિમ ખાતે તથા સુંદરગઢ જિલ્લામાં બુરાપહર ખાતે બે કમર્શિયલ કોલસા ખાણો સોંપી છે. આ ખાણોમાંથી આશરે 6,600 લાખ મેટ્રિક ટન કોલસો મેળવી શકાય તેમ છે. આ બંને ખાણો નજીક કુલ 4,400 મેગાવોટ ક્ષમતા આધારિત થર્મલ પાવર સ્ટેશનો ઊભા કરવાની યોજના છે, જે મોટાભાગે પાંચેક વર્ષમાં કાર્યરત થવાની આશા હોવાનું રાજ્યના ઊર્જા-નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


