- 20,160 માથાભારે ગુનેગારો પોલીસને ખો આપી રહ્યા છે
- ચૂંટણીના 33 દિવસમાં માત્ર 840 નાસતા ફરતા ગુનેગારો પકડાયા
- ભાગેલા ગુનેગારો પકડીને જેલભેગા કરવાનો મોટો ટાસ્ક રાજ્યના પોલીસતંત્ર માટે માથાનો દુઃખાવો.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના સમયે નાસતા-ફરતાં માથાભારે ગુનેગારો, એક કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારો તથા પેરોલ જમ્પ કરીને ભાગેલા ગુનેગારો પકડીને જેલભેગા કરવાનો મોટો ટાસ્ક રાજ્યના પોલીસતંત્ર માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ એ સમયે આવા કુલ 21 હજારથી વધુ ગુનેગારો નાસતા-ફરતાં હતા ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયાના છેલ્લા 33 દિવસમાં કહેવાય છે કે, આવા 840 ગુનેગારો જ પકડાયા છે. હજી 20,160 ગુનેગારો પકડવાના બાકી છે, રાજ્યના પોલીસ તંત્રએ આ વખતે ચૂંટણીના સમય પૂરતું વિશેષ બંદોબસ્ત ગોઠવતાં મહારાષ્ટ્ર,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની સરહદે અગાઉ કરતાં વધારે કુલ 144 જેટલી ચેકપોસ્ટ્સ ઊભી કરી છે, જેની પાછળના મુખ્ય કારણો માં એક કારણ આ નાસતા ફરતા ગુનેગારોને ઝબ્બે કરવાનું પણ છે, આને માટે બોર્ડર રાજ્યોના પોલીસ તંત્ર સાથે ખાસ મિટિંગો યોજી એમનો સહયોગ પણ લેવાયો છે, છતાં હજી આ મોટા ટાસ્કમાં રાજ્યના પોલીસતંત્રને ધારી સફળતા મળી નથી.
જે કુલ 840 જેટલા ભાગેડુ ગુનેગારો 33 દિવસમાં પકડાયા છે, તે પૈકી 20 ગુનેગારો 20 કરતાં વધુ વર્ષોથી, 11 ગુનેગારો 15 કરતા વધુ વર્ષોથી, 33 ગુનેગારો 10 વર્ષ કરતાં વધુ સમયથી તેમજ 499 ગુનેગારો 10 કરતાં ઓછા વર્ષોથી લાપતા હતા.
સૂત્રો કહે છે કે, રાજ્યમાં કુલ 54,436 ખાનગી લાઇસન્સવાળા હથિયારો છે જે પૈકી 48,7 00 હથિયારો ચૂંટણીના કારણે અત્યાર સુધી જમા લેવાયા છે, બાકીના હથિયારોના કિસ્સામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિએ સમીક્ષા બાદ હથિયારો રાખવાની છૂટ આપેલી હોઈ હથિયારો જમા લેવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સૂત્રો એમ પણ કહે છે કે, સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ, પ્રોહિબિશન-93 હેઠળ અટકાયતી પગલાં લેવાની તેમજ પાસા તથા તડીપાર કરવાની કામગીરી તો પોલીસતંત્ર માટે સતત ચાલતી પ્રક્રિયા છે, જે કામગીરીના મહિનાવાર આંકડાની નોંધ પણ તૈયાર થતી હોય છે


