- સુપ્રીમના આદેશને પગલે ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકાયેલો નવો નિયમ
- ચેકિંગ માટે તે ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે
- ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે
સુપ્રીમ કોર્ટે રિટ પિટિશન નંબર-સિવિલ-184/2024માં તા.26-4-24ના રોજ આપેલા ચુકાદા પ્રમાણે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં બીજા અને ત્રીજા ક્રમે મત મેળવેલા ઉમેદવારો તેમના લોકસભા મતક્ષેત્રમાં આવતા પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ ઈવીએમના 5 ટકા જેટલા ઇવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની બ્રન્ટ મેમરી/માઇક્રો કન્ટ્રોલરનું ટેક્નિકલ ચેકિંગ કરાવી શકશે. આ ચેકિંગના કારણે મતદાનના દિવસ અને મતગણતરીના દિવસ વચ્ચેના સમયગાળામાં ઇવીએમ કે વીવીપેટમાં કોઈ છેડછાડ થઈ હશે તો ખબર પડી જશે. આ ટેક્નિકલ ચેકિંગ હાથ ધરવા માટે ઉમેદવારે પરિણામ પછીના 7 દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને નિયત ફોર્મેટમાં અરજી કરવી પડશે અને આ અરજી સાથે તે ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે. મતલબ કે વિધાનસભાદીઠ 200 જેટલા ઇવીએમ-વીવીપેટ ઉપયોગમાં લેવાતા હોય છે, તેના 5 ટકા યુનિટ એટલે કે 10 યુનિટનું ઉમેદવાર ચેકિંગ કરાવી શકશે, એટલે ઉમેદવારે રૂ.4 લાખ વત્તા 18 ટકા જીએસટીની રકમ જમા કરવી પડશે. જો ઉમેદવાર તેના લોકસભાક્ષેત્રમાં આવતા સાતેય વિધાનસભા ક્ષેત્રના 5 ટકા યુનિટનું ચેકિંગ કરવા ઇચ્છશે તો તેણે કુલ 28 લાખ વત્તા 18 ટકા જીએસટી રકમ જમા કરાવવી પડશે. અત્યારે ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાક્ષેત્ર દીઠ 5 ટકા વીવીપેટ સ્લિપનું ચેકિંગ થાય છે, જ્યારે ઉપરોક્ત 5 ટકા યુનિટનું ટેક્નિકલ ચેકિંગ, 5 ટકા વીવીપેટ સ્લિપના ચેકિંગ ઉપરાંતનું થશે.
ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે.જો આ ચેકિંગ દરમિયાન કોઈ ખામી ધ્યાનમાં આવશે તો ઉમેદવારને તેણે ભરેલો ચાર્જ મજરે મળશે. જો બીજા અને ત્રીજા ક્રમના ઉમેદવારો ચેકિંગ કરવા માટે અરજી કરે તો બંનેને અઢી-અઢી ટકા યુનિટ ચેકિંગ કરવા મળશે.
ચેકિંગ માટેની અરજી મળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી 45 દિવસ સુધી રાહ જોશે અને આ સમયગાળામાં કોઈ અદાલતમાં પિટિશન ના થાય તો ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે. જો ઇલેક્શન પિટિશન કોર્ટમાં થયેલી હશે તો કોર્ટની અનુમતી મેળવીને ચેકિંગ થશે.


