- અધિકારી, પદાધિકારીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું કોઈ કાળે સમાધાન સ્વીકાર્ય નહીં
- ગેરકાયદે કામને શરૂઆતમાં જ રોકવા, મોનિટરિંગ, ક્વોલિટી ચકાસવા સૂચના
- વિકાસની પાછળ દોડ મુકીએ અને પુરતુ ધ્યાન નહિ રાખીયે તો તેની ઉપયોગીતા નહી રહે : મુખ્યમંત્રી
રાજકોટ અગ્નિકાંડ બાદ પહેલી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટાયેલા સૌ જન પ્રતિનિધીઓ અને અધિકારીઓને જાહેર મંચ પરથી ટકોર્યા હતા, સાથે સ્પષ્ટ ચેતવણી આપી હતી.
અહીંના મહાત્મા મંદિરમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 157 નગરપાલિકાઓના ચેક વિતરણ સમારોહમાં તેમણે માનવ જીવનને સુરક્ષા એ જ સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ” એ તાકીદ કરતા એમા કોઈ પણ જાતનું સમાધાન સ્વિકાર્ય નથી તેમ કહ્યુ હતું. તેમણે આટલું બધું કામ કરીએ છીએ તો પણ ક્યાંકને ક્યાંક ભૂલ થાય છે, તેમ કહીને સૌને ટકોર્યા પણ હતા.
મુખ્યસચિવ રાજકુમારથી લઈ સેક્રેટરીઓ, મ્યુનિસપલ કમિશનરો, મેયર, ચીફ ઓફિસર, પાલિકાના પ્રમુખો સહિતના શહેરી સંસ્થાઓના અધિકારી- પદાધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, સમાધાનમાં કોઈ પણ હોય પછી એ અધિકારી હોય કે પદાધિકારી, બેમાંથી કોઈ પણ પક્ષે માનવ જીવ સામે કોઈ પ્રકારનું સમાધાન ન હોવુ જોઈએ. વિકાસ કામો માટેની ગ્રાન્ટના કુલ રૂ.2,111 કરોડ રૂપિયાના ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે રાજકોટની દુર્ઘટના બાદ ગૃહવિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટ રૂલ્સમાં સુધારા વધારા સુચવા અપિલ કરી હતી. વિકાસની પાછળ દોડ મુકીએ અને પુરતુ ધ્યાન નહિ રાખીયે તો તેની ઉપયોગીતા નહી રહે. સૌએ ભેગા મળીને દરવર્ષે વિકાસના કામો માટે મોનિટરીંગ કરવુ જોઈએ અને ક્વોલિટી કેવી છે તેનું ધ્યાન રાખવુ જોઈએ. કોઈ પણ પ્રકારનું ગેરકાયદે કામ શરૂઆતમાં જ રોકીશુ તો બેઉ બાજુ તકલીફ ઓછી રહેશે. પ્રજાજનો તરફથી નાની ફરિયાદોને પણ ધ્યાને લેવી જોઈએ. જેથી મજબૂત પાયો નંખાય પછી જે પ્રશ્નો ઉભા થાય છે તેની તકલીફ પડે નહી.
સરકારી કચેરીમાં 11થી પાંચ વ્યસનથી દૂર રહો
મુખ્યમંત્રીએ સરકારી કચેરીમાં ગંદકી અને બદી મુદ્દે મહત્વની ટકોર કરી હતી. અધિકારીઓ અને પદાધિકારીઓને વ્યસન મુદ્દે તેમણે કહ્યુ કે, કામના સમયે 11થી પાંચ દરમિયાન તમાકુ ખાતા તેમને અટકાવવા જોઈએ. જ્યાં નાગરિકો પોતાના કામ માટે આવે છે ત્યાં આ પ્રકારની બદી હોવી જોઈએ નહી.


