- પ્રવશોત્સવ પહેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી
- અધિકારીઓને ધો-4થી 8ની ઉત્તરવાહી ચકાસીને વિદ્યાર્થીઓની ચકાસણી કરવી પડશે
- ત્રણ દિવસના પ્રવોશત્સવની સાથે ગુણોત્સવનું પણ આયોજન કરાયુ
26 જૂનને બુધવારથી સળંગ ત્રણ દિવસનો પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. બાલવાટિકાથી લઈ ધોરણ- 11 સુધી કુલ 32.33 લાખ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ માટે સોમવારે સ્વર્ણિમ સંકૂલમાં મંત્રીઓ, સેક્રેટરીઓ માટે બ્રિફિંગ બેઠક મળી હતી.
જેને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક અધિકારી, પદાધિકારીને આંકડાકીય સિદ્ધિઓ નહિ પણ બાળક માટે સારામાં સારૂ શું હોઈ શકે તે આપવા પ્રયત્ન કરો તેવી ટકોર કરી હતી. પ્રવેશોત્સવમાં જનારા તમામને અનુરોધ કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, તમે જે શાળાની મુલાકાત લો ત્યાંની મૂળભૂત જરૂરીયાતો, બેઝિક નીડની ખૂટતી જે કોઈ કડીઓ હોય તો તે પણ પોતાના ફિડબેકમાં સરકારને આપે. ખૂટતી કડીઓ ત્વરાએ પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ સંબંધિત વિભાગો સાથે સંકલનમાં રહીને પ્રયત્નો કરે. વધુમાં વધુ દિકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન મળે તે માટે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ વિદ્યાર્થીઓ આવે તે માટે શરૂ કરેલી નમો સરસ્વતી યોજનાનો લાભ મહત્તમ મળે તે માટે સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે.
ત્રણ દિવસના પ્રવોશત્સવની સાથે ગુણોત્સવનું પણ આયોજન કરાયુ છે. આથી જે અધિકારી કે પદાધિકારીને ત્રણ ગામની સ્કૂલ સોંપાઈ છે ત્યા તેમણે ‘નિરીક્ષણ ફોર્મ’ પણ ભરવાનું રહેશે. જેમાં ધો. 4થી 8 પૈકી કોઈ પણ એક ધોરણનું પરીણામ પત્રક જોવાનું રહેશે. જેમાં વિષયનુસાર લેખિત પરીક્ષાના ગુણના આધારે રેન્ડમલી ત્રણથી પાંચ બાળકોની કોઈ પણ એક વિષયની ઉત્તરવહી જોવી. બાદ જરૂર જણાયે જે તે વિદ્યાર્થી સાથે મૌખિક પ્રશ્નોત્તરી કરીને વંચાવીને કે લખાવીને ચકાસણી કરવાની રહેશે.


