ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું. આ જીત સાથે, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. એક ભારતીય ક્રિકેટર તરીકે, ગંભીર ખેલાડી અને કોચ તરીકે ICC ટ્રોફી જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે અને તેને IPLમાં પણ આ જ સિદ્ધિ મેળવી છે.
ICC ઈવેન્ટમાં, ગંભીર ખેલાડી અને કોચ બંને તરીકે ICC ટુર્નામેન્ટ જીતનાર વિશ્વનો પાંચમો વ્યક્તિ બન્યો. આ પહેલા રાહુલ દ્રવિડ (ભારત), ડેરેન લેહમેન (ઓસ્ટ્રેલિયા), જ્યોફ માર્શ (ઓસ્ટ્રેલિયા) અને ગેરી કર્સ્ટન (દક્ષિણ આફ્રિકા) એ આ સિદ્ધિ મેળવી હતી.
ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય
ફાઈનલ મેચમાં, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 251 રન બનાવ્યા. ભારતીય બોલરોએ સારી બોલિંગ કરી અને ન્યુઝીલેન્ડને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યું. જવાબમાં, કેપ્ટન રોહિત શર્માએ 76 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતની જીતનો પાયો નાખ્યો. શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અંતે, રવિન્દ્ર જાડેજાએ 49મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી.
ગંભીર માટે આ પહેલી મોટી ટ્રોફી
ગૌતમ ગંભીર માટે આ જીત ખૂબ જ ખાસ હતી કારણ કે મુખ્ય કોચ તરીકે આ તેમની પહેલી ICC ટ્રોફી હતી. તેને ગયા વર્ષે રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમની કમાન સંભાળી હતી. કોચ તરીકે, દ્રવિડે ભારતને 2024 T20 વર્લ્ડકપ ટાઈટલ અપાવ્યું.
ICC ટુર્નામેન્ટ જીતનારા દિગ્ગજ ખેલાડીઓ અને કોચ
ગંભીર પહેલા, ડેરેન લેહમેને ઓસ્ટ્રેલિયાને 2015નો વર્લ્ડકપ જીતવા માટે નેતૃત્વ કર્યું હતું, જ્યારે ખેલાડી તરીકે તે 1999 અને 2003માં વર્લ્ડકપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. જ્યોફ માર્શે 1999માં કોચ તરીકે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીત અપાવી હતી અને 1987માં ખેલાડી તરીકે વર્લ્ડકપ જીત્યો હતો. ગેરી કર્સ્ટને 2011 માં ભારતને વર્લ્ડકપ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે એક ખેલાડી તરીકે તેઓ 1998 માં ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ હતા.
ગંભીર માટે આ સફર પડકારજનક
શરૂઆતમાં ગંભીર પર ઘણું દબાણ હતું. તેમના નેતૃત્વ હેઠળ ભારત શ્રીલંકા સામે ODI સિરીઝ હારી ગયું, પછી ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ હારી ગયું, અને ઓસ્ટ્રેલિયા સામે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ હારી ગઈ. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, ભારતે ઈંગ્લેન્ડ સામે ODI અને T20 સિરીઝ જીતીને ફરીથી ગતિ મેળવી. પછી, ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને, ટીમે બધી મેચ જીતી અને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો.


