ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરાને લઇને ડીલ ફાઇનલ થઇ ગઇ છે. બસ તેની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. પીએમ બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયલી પીએમ ઓફિસે જણાવ્યું હતું કે બંધકોને મુક્ત કરવા માટે એક કરાર પર સહમતિ બની ગઇ છે. આ ડીલને લઇને વાતચીત કરનારી ટીમે પીએમ નેતન્યાહૂને આ અંગે જાણ કરી છે. ઇઝરાયલ અને હમાસે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આ સોદા અંગે આજે સુરક્ષા મંત્રીમંડળની બેઠક યોજાશે. સરકાર શનિવારે તેને મંજૂરી આપશે. આ પછી, 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ અમલમાં આવશે.
ઔપચારિક જાહેરાત બાકી
વડા પ્રધાન નેતન્યાહૂએ વાટાઘાટ કરનાર ટીમ અને મદદ કરનારા તમામ લોકોની પ્રશંસા કરી. પીએમ ઓફિસ ઓથોરિટીએ બંધકો અને ગુમ થયેલા લોકોના પરિવારોને તેમની મુક્તિ અંગે જાણ કરી છે.પ્રધાનમંત્રીએ ઇઝરાયલમાં તેમના આગમન અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે. પીએમ નેતન્યાહૂએ કહ્યું કે અમે બંધકો અને ગુમ થયેલા લોકોની મુક્તિ માટે પ્રતિબદ્ધ છીએ. આ સોદાને મંજૂરી આપવા માટે આજે સરકારી બેઠક યોજાશે. આ પહેલા સુરક્ષા મંત્રીમંડળની બેઠક પણ યોજાશે.
બુધવારે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરવામાં આવી હતી. બંનેએ આ અંગે સહમતિ પણ વ્યક્ત કરી હતી. 19 જાન્યુઆરીથી તેના અમલીકરણના સમાચાર પણ હતા, પરંતુ કેટલીક શરતોને કારણે સોદો અંતિમ સ્વરૂપ આપી શકાયો નહીં. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ હમાસ પર કરારની જોગવાઈઓથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે હમાસે તેની નવી માંગણીઓ છોડી દેવી પડશે. હમાસે ગાઝામાંથી પીછેહઠ કરવી જ જોઇએ. હમાસ પોતાના વચનો તોડી રહ્યું છે. યુદ્ધવિરામ કરારની જાહેરાતના બીજા જ દિવસે, ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો.
યુદ્ધ 7 ઓક્ટોબર, 2023 થી ચાલુ
યુદ્ધવિરામ કરારની જાહેરાત પછી એવું લાગતું હતું કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થશે પરંતુ આવું થયું નહીં. હમાસે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો. જેમાં 1200 લોકો માર્યા ગયા અને 250 અન્ય લોકોને બંધક બનાવવામાં આવ્યા. આ પછી ઇઝરાયલે હમાસ પર ભારે બોમ્બમારો કર્યો. ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 46 હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા વધુ ઘાયલ થયા છે.


