- યુદ્ધવિરામ જાહેર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે ભયાનક બની શકે
- દવાઓ, મેડિકલ સપ્લાય, ભોજન અને ઇંધણના કાફલાઓને લોકો રસ્તામાં જ લૂંટી રહ્યા છે
- રાહત કામગીરી મુશ્કેલ બની રહી છે
યુદ્ધના ભયાનક પરિણામોનો સામનો કરી રહેલાં ગાઝા પટ્ટીના લોકો હવે ભૂખમરાની કગાર પર પહોંચી ગયાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં જ યુદ્ધવિરામ જાહેર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે ભયાનક બની શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો દાવો છે કે ગાઝામાં હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આ ક્ષેત્રની 36 હોસ્પિટલમાંથી માંડ 15 હોસ્પિટલો અત્યંત પાંખી સુવિધાઓ સાથે કામ કરી રહી છે. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ ગૈબ્રેસિસે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ યુદ્ધમાં દરમિયાનગીરી કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે ગાઝામાં ગંભીર માનવીય સંકટ પેદા થઇ શકે છે.
રાહત કામગીરી મુશ્કેલ બની રહી છે
ડબ્લ્યુએચઓના વડાએ જણાવ્યું હતું કે જો ભોજનની સપ્લાય આ રીતે જ અવરોધાશે તો તેમના માટે ગાઝામાં રાહત કામગીરી કરવી જ મુશ્કેલ બની જશે. નોંધનીય છે કે પાછલા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ગાઝામાં માનવીય સહાય પહોંચાડવા સહમતી ઊભી થઇ હતી પરંતુ સંઘર્ષ વિરામને લઇને કોઇ નિર્ણય થઇ શક્યો ન હતો. ગૈબ્રેસિસે ઉમેર્યું હતું કે ગાઝામાં પરિસ્થિતિને સુધારવા માટે યુદ્ધવિરામની જરૂર છે.


