દ્રોણાચાર્યની પાસે જઈને દુર્યોધન કયાં વચનો બોલ્યો તે વાતને આગળના શ્લોક(1/૩)માં બતાવે છે.
પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા॥
હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુવો. સંસ્કૃતમાં પશ્ય ક્રિયાપદ આજ્ઞા અર્થમાં વપરાય છે. જ્યારે કોઇ મોટો પુરુષ નાના પુરુષને કંઇ કરવાની આજ્ઞા કરે ત્યારે આવા ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અહીં દુર્યોધન અવિવેક કરે છે. દુર્યોધન દ્રોણાચાર્ય કરતાં બધી રીતે નાનો હોવા છતાં તુચ્છકારભર્યું ક્રિયાપદ વાપરે છે. વ્યક્તિનું જ્યારે અનિષ્ટ થવાનું હોય ત્યારે પ્રથમ તેની ભાષા અને વ્યવહાર બદલાય છે. સજ્જન પુરુષોએ ક્યારેય પણ શત્રુ તરફ ભાષા અને વ્યવહાર બદલવા ન જોઇએ, તેનાથી બગડેલા સબંધો વધુ બગડતા હોય છે અને ભવિષ્યમાં જ્યારે સંબંધો સુધારવાના થાય ત્યારે બોલેલાં કડવાં અને તુચ્છકારભર્યાં વચનો શૂળની માફક ભોંકાતાં હોય છે.
દ્રોણ માટે આચાર્ય સંબોધન કરવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના-કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્રવિદ્યા શીખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો, એટલા માટે આપના મનમાં કોઇનો પક્ષ કે આગ્રહ ન હોવા જોઇએ. આપ એટલા સરળ છો કે આપને મારવા માટે પેદા થયેલા ધૃષ્ટદ્યુમ્નને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવાડી છે. એ જ આપની સમક્ષ વિરોધ પક્ષે સેનાપતિના રૂપમાં ઊભો છે. આ બધું દુર્યોધનમાં છૂપો રહેલો ડર-ભય દેખાય છે. અહીં દુર્યોધન ધૃષ્ટદ્યુમ્નના બદલે દ્રુપદપુત્રેણ કહીને દ્રુપદ દ્રોણાચાર્ય સાથે જે વેર રાખતા હતા તે વેરભાવ યાદ કરાવે છે કે હવે વેર વાળવાની સારી તક છે.
દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો એ જ પાંડવોએ આપના વિરોધ પક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જોકે, કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણી અને પાંડવોની સેના સાત અક્ષૌહિણી હતી, તો પણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી બતાવે છે તેના બે ભાવ છે. પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી જેથી દુર્યોધનને નાની સેના પણ મોટી દેખાય છે અને બીજું, પાંડવસેનામાં બધા યોદ્ધા એકમતના હતા. આ એકતાના કારણે પાંડવોની નાની સેના પણ બળ અને ઉત્સાહમાં મોટી દેખાઇ રહી હતી.
એક અક્ષોહિણી સેનામાં 21870 રથ, 21870 હાથી, 65610 ઘોડા અને 1,09,૩50 પાયદળ સૈનિકો હોય છે.
દ્રોણાચાર્ય કશું બોલતા નથી તેથી દુર્યોધન વાત આગળ વધારે છે. મહત્ત્વની વાત કરતી વખતે ડાહ્યા માણસોએ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. સાંભળનારનો ચહેરો હકારાત્મક છે કે નકારાત્મક, તે રસપૂર્વક હોંકારો આપે છે કે ઉપેક્ષા કરે છે અને તે આગળ-આગળની વાત જાણવા માટે તાલાવેલી-ઉત્સુકતા બતાવે છે કે કેમ? જો આ ત્રણ બાબતોમાં શ્રોતાઓનું વલણ નકારાત્મક હોય તો ડાહ્યા માણસે ચૂપ થઇ જવું જોઇએ.ચૂપ થવું એ પણ ડહાપણની એક નિશાની છે. મૂર્ખાઓ ચૂપ થતા નથી, તે બોલ બોલ કરે છે અને બોલવાના સમયે ચૂપ થઇ જાય છે. દ્રોણાચાર્યની ઉપેક્ષા હોવા છતાં પણ દુર્યોધને વાત આગળ વધારી છે.
– વિનોદ માછી `નિરંકારી’
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


