- સૌથી ધનિક ઉદ્યોગપતિએ સોરોસને ઉઘાડા પાડયા
- સોરોસ અમેરિકી ચૂંટણીમાં ગરબડ કરાવવા માગે છે : ટેસ્લા ચીફ
- મસ્કે સોરોસ અંગે વ્યક્ત કરેલા વિચારોને સોશિયલ મીડિયા પર સમર્થન મળ્યું
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક એલન મસ્કે અબજોપતિ ડાબેરી જ્યોર્જ સોરોસ પર શાબ્દિક પ્રહાર કરતા તેમને માનવતાના દુશ્મન ગણાવી કહ્યું છે કે સોરોસને માનવતાથી નફરત છે. તેઓ અમેરિકામાં ગુનેગારો પ્રત્યે કૂણું વલણ ધરાવતા ડિસ્ટ્રિક્ટ જજની નિયુક્તિઓમાં પણ મદદ કરતા આવ્યા છે. મસ્કે ધ જો રોગન એક્સપીરિયન્સ પોડકાસ્ટ પર બે કલાક 40 મિનિટ લાંબી વાતચીત દરમિયાન જણાવ્યું કે મારા મતે સોરોસ મૂળે માનવતાને નફરત કરે છે. તેઓ એવા કામ કરી રહ્યા છે કે જેનાથી સામાજિક તાણાવાણા નષ્ટ થઇ રહ્યા છે. તેઓ અમેરિકામાં એવા ડિસ્ટ્રિક્ટ જજ ચૂંટી રહ્યા છે કે જેઓ ગુનાખોરીના કેસો ચલાવવા ઇનકાર કરે છે. તેના કારણે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જેલ્સમાં ગુનાખોરી વધી રહી છે. સોરોસ બીજા દેશોમાં પણ આમ કરી રહ્યા છે. મસ્કે સોરોસ અંગે વ્યક્ત કરેલા પોતાના વિચારોને સોશિયલ મીડિયા પર સમર્થન મળ્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે અમારામાંથી ઘણા લોકો આને (સોરોસને) 15 વર્ષથી ઓળખી રહ્યા છીએ. મસ્કે સોરોસને અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના મુખ્ય ડોનર ગણાવી ઉમેર્યું હતું કે સોરોસ હવે બહુ ઘરડા થઇ ચૂક્યા છે પણ મધ્યસ્થી કરવામાં માહિર છે. બધાને ખબર છે કે તેમણે બ્રિટિશ પાઉન્ડને નુકસાન પહોંચાડયું હતું.


