- જર્મનીમાં કુશળ કામદારોની ખૂબ જ જરૂર છે
- જર્મનીના વર્ક વિઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે
- કામ કરતા લોકોની અછતને પહોંચી વળવા માટે વિઝા પ્રોસેસિંગનો સમય ઘટાડવામાં આવ્યો છે
નોકરી માટે જર્મની જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. જર્મનીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં ભારતીયો માટે લાંબા ગાળાના વિઝાને મંજૂરી આપશે. મીડિયા રિપોર્ટ મુજબ જર્મની જવા માટે વિઝાની પ્રક્રિયામાં 9 મહિનાનો સમય લાગે છે. હવે તે ઘટીને માત્ર બે અઠવાડિયા થશે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધી જર્મનીના અધિકારીઓને વર્ક વિઝાની પ્રક્રિયા કરવામાં લગભગ 9 મહિનાનો સમય લાગતો હતો. હવે કુશળ ભારતીય કામદારોના વિઝાની પ્રક્રિયા માત્ર બે અઠવાડિયામાં થશે.
જર્મનીમાં કામ કરતા લોકોની અછત
જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેન બેરબોકે કહ્યું છે કે તેમના દેશને કુશળ કામદારોની તાત્કાલિક જરૂર છે. આ માંગને પહોંચી વળવા માટે વિઝાની પ્રક્રિયાનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ જર્મન ઈકોનોમિક ઈન્સ્ટિટ્યૂટના 2023ના ડેટા મુજબ જર્મનીમાં લગભગ 6 લાખ જગ્યાઓ ખાલી છે. વર્ક વિઝા માટે લાગતો લાંબો સમય કુશળ કામદારોની ટ્રેનિંગ પર અસર કરે છે.
કામદારોની નિમણૂક ન થવાથી અર્થતંત્રને થાય છે નુકસાન
જર્મન ઈકોનોમિક ઈન્સ્ટિટ્યૂટે એમ પણ કહ્યું છે કે જર્મનીમાં મોટું રોકાણ કરતી ભારતીય કંપનીઓ ઝડપી વિઝા પર નિર્ભર છે. તેથી તેમને જર્મન નિષ્ણાતો લાવવાની છૂટ છે. સંસ્થાએ એમ પણ કહ્યું છે કે જો નોકરીની ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવે તો જર્મન અર્થતંત્રને 74 અબજ યુરોનું નુકસાન થઈ શકે છે. આ સંસ્થાના જણાવ્યા મુજબ ફેડરલ ફોરેન ઓફિસે જૂન 2024 સુધી 80,000 વર્ક વિઝા જાહેર કર્યા છે. તેમાંથી 50 ટકા કુશળ કામદારો હતા.
જર્મન સાંસદોને મળ્યા વિદેશ મંત્રી
14 ઓગસ્ટના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મનીના સાંસદ જુર્ગેન હાર્ડ અને રાલ્ફ બ્રિન્કાઉસ સાથે મુલાકાત કરી હતી. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વિશે એક પોસ્ટ કરી હતી. તેમને તેમાં કહ્યું હતું કે તેમને દિલ્હીમાં જુર્ગન હાર્ડટ અને રાલ્ફ બ્રિન્કાઉસ સાથે સારી વાતચીત કરી હતી. હું સંબંધોને મજબૂત કરવા માટે તેમના સતત સહકારની પ્રશંસા કરું છું. સંબંધિત ક્ષેત્રોના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


