- રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે
- કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે
- 2થી 3 ડિગ્રી લઘુતન તાપમાનનો પારો ગગડશે
રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે. જેના અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાવાને કારણે ઠંડીનો અનુભવ થઈ શકે છે. જેના સાથે જ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 15થી 20 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જોકે હવામાન વિભાગે કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી કરી નથી. જોકે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
આ અંગે આજે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની આગાહી નથી. પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હાલમાં કાશ્મીરમાં ફરી એકવાર હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેની અસર થોડા દિવસોમાં ગુજરાતમાં પણ વર્તાય તેવી શક્યતા છે.
જતાં જતાં ઠંડીનો પારો વધશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર તરફથી રહેશે. કારણે કાશ્મીરની હિમવર્ષાની અસરો પવનો દ્વારા ગુજરાત સુધી આવશે. હાલમાં ગુજરાતમાં આવતાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા અને તાપમાનમાં પણ ઘટાડો થશે. 2થી 3 ડિગ્રી લઘુતન તાપમાનનો પારો ગગડશે.
પવનની દિશાની અસર જોવા મળશે
જ્યારે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. રાજ્યભરનું સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર નલિયા નહીં પરંતુ કેશોદ રહ્યું હતું જ્યાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પવનની ગતિ પણ ઝડપી થવાને કારણે ઠંડીનો ચમકારો રહેશે. દક્ષિણ ગુજરાત પર આવતા પવનોની દિશા હાલમાં દક્ષિણ પશ્ચિમની છે. જ્યારે પવનની ગતિ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે.


