- અમદાવાદ નજીક GFI દ્વારા ગોલ્ફ ટૂરનો આરંભ
- શિક્ષણ, આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ કરી ગ્રામ્ય વિસ્તારોને જોડાશે
- દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની અગ્રેસરતા સૂચવે છે
અમદાવાદના કેન્સવિલે ખાતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ફ્ ફેડરેશન દ્વારા આયોજિત GFI ટુર- 2024ના આરંભ કરાવ્યો હતો. આ સ્પર્ધાના આરંભે તેમણે ગુજરાત વર્ષ 2036માં યોજનારા ઓલિમ્પિકસની યજમાની કરવા સજ્જ હોવાનું જણાવી શિક્ષણ, આરોગ્ય સહિત નાગરીક સેવાઓને વધુ સુદ્રઢ કરીને ગામડાને ગોલ્ફ્ સાથે જોડવાના આશય સાથે શરૂ થયેલી આ ટુર 25થી વધુ શહેરોમાં યોજાશે તેમ કહ્યુ હતુ.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુરૂપ થીમ સાથે ગોલ્ફ્ ફેડરેશન ઓફ્ ઇન્ડિયા દ્વારા આયોજિત GFI ટુર- 2024ને મુખ્યમંત્રીએ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવી હતી. વ્યવસાયની સાથે સ્પોર્ટ્સથી ગુજરાતની ઓળખ થઈ રહી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ ફેસિલિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સ્પોર્ટીંગ ઇવેન્ટના આયોજન માટે વિશેષ ક્ષમતા કેળવી છે. ગોલ્ફ્ રમતનું આયોજન તેનું જ ઉત્તમ ઉદાહરણ છે. બે દાયકામાં જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે. 24 અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે 22 એકરમાં વિસ્તરેલું મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર, 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એનકલેવ, દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની અગ્રેસરતા સૂચવે છે. થોડા સમય પહેલા 36મી નેશનલ ગેમ્સના દાખલરૂપ આયોજનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.


