- ભારતની મહિલા તેની પુત્રી સાથે પાકિસ્તાન પહોંચી
- જમ્મુમાં રહેતી 22 વર્ષની શબનમે સરહદ પાર કરી
- સાલ્ટોરીના ગુલામ રબ્બાની સાથે લગ્ન કર્યા હતા
ભારત-પાકિસ્તાન બોર્ડર પર રહેતી મહિલાને વોટ્સએપ પર પ્રેમ થઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીરની આ મહિલા વોટ્સએપ પર પાકિસ્તાનમાં રહેતાં એક યુવકને મળી હતી. પ્રેમ બાદ તે તેની દોઢ વર્ષની પુત્રી સાથે તેની સાથે લગ્ન કરવા સરહદ પાર પહોંચી ગઈ હતી. આ મહિલાના 3 કાકા અને 1 કાકી પાકિસ્તાનમાં રહે છે.
22 વર્ષની મહિલાએ દોઢ વર્ષની દીકરી સાથે સરહદ પાર કરી
સરહદ પારના પ્રેમની વધુ એક કહાની સામે આવી છે. ભારતની અંજુ પાકિસ્તાન ગઈ અને હૈદર પાકિસ્તાનની બોર્ડર ઓળંગીને ભારત આવ્યો, હવે જમ્મુની એક મહિલા તેના પ્રેમીને મળવા સરહદ પાર કરી છે. જમ્મુની આ 22 વર્ષની મહિલાનું નામ શબનમ છે, તેને દોઢ વર્ષની દીકરી પણ છે અને તેણે તેની સાથે સરહદ પાર કરી છે.
શબનમના લગ્ન સાલ્ટોરીના ગુલામ રબ્બાની સાથે
જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે 5 ફેબ્રુઆરી, 2024એ કહ્યું કે, શબનમના લગ્ન પૂંછના સાલ્ટોરીના રહેવાસી ગુલામ રબ્બાની સાથે થયા છે. તે પુંછ જિલ્લાના ખાદી કરમાડા વિસ્તારમાં રહેતી હતી, જે નિયંત્રણ રેખા(LOC)પાસે આવલી છે. પરિવારજનોએ આ મામલે પોલીસની મદદ માંગી છે.
વોટ્સએપ પર એક પાકિસ્તાની વ્યક્તિના પ્રેમમાં પડી
પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરિવારનો દાવો છે કે તેને વોટ્સએપ પર એક પાકિસ્તાની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો, ત્યારબાદ તેણે સરહદ પાર કરી હતી. પોલીસનું કહેવું છે કે, તેના ફોન પર આવેલા કોલની વિગતો મેળવવામાં આવી રહી છે અને તેના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ તેનો સંપર્ક થઈ શક્યો નથી.
મહિલાના કાકા અને કાકી પાકિસ્તાનમાં રહે છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાના પાકિસ્તાનમાં 3 કાકા અને 1 કાકી છે. તે વોટ્સએપ કોલ પર પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે સતત સંપર્કમાં હતી. જેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તે પુરુષ સાથે લગ્ન કરવા માટે મહિલા પૂંછના રંગાર નાલા વિસ્તારમાંથી સરહદ પાર કરીને પાકિસ્તાન ગઈ હતી. સત્તાવાર ચેનલો દ્વારા આ માહિતીની પુષ્ટિ કરવા માટે પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
સરહદ પારના પ્રેમની વધુ વાર્તાઓ પણ પ્રકાશમાં આવી
આ પહેલાં પણ સરહદ પારના પ્રેમના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યાં છે. સીમા હૈદર નામની મહિલા પાકિસ્તાનથી ભારત આવી હતી, જ્યારે અંજુ રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચી હતી. આ બંને મહિલાઓની વાતોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી, જ્યારે થોડા સમય પહેલાં પોલેન્ડની પરિણીત બાર્બરા પોલોક પણ તેના ભારતીય પ્રેમીને મળવા ઝારખંડ આવી હતી. પાકિસ્તાનની અન્ય એક મહિલા જવેરિયા ખાનુમ વાઘા બોર્ડર દ્વારા ભારત આવી હતી. અહીં તેના ભારતીય પ્રેમી સમીર ખાનના પરિવારે તેનું ઢોલ વગાડીને સ્વાગત કર્યું હતું. આ કિસ્સાઓમાં જમ્મુની મહિલાનો કિસ્સો પણ જોડાઈ ગયો છે.


