- ગોંડલ તાલુકાના ચરખડી ગામે પંકજ ઉધાસનો થયો હતો જન્મ
- ચરખડી ગામે પંકજ ઉધાસના કુળદેવી માતાજીનુ પણ સ્થાનક
- જ્યારે આલ્બમ બહાર પડે તે પહેલા લેતાં પોતાના ગામની મુલાકાત
આજે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનું નિધન થયું છે. જેના સાથે જ ગઝલના એક યુગનો અંત થયો છે. ‘વતન સે ચિઠ્ઠી આયી હૈ’ ગીતથી લોકોને પોતાના વતનને યાદ કરાવી દેતા પંકજ ઉધાસને પોતાના વતન પ્રત્યે પણ અતૂટ પ્રેમ રહ્યો હતો. પંકજ ઉધાસ માતાજીમાં પણ અનોખી શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામના વતની હતા.
અહીં પંકજ ઉધાસના કુળદેવી પુનબાઈ મા અને લલાબાઈ મા હતા. આ ગામના આગેવાનોનું કહેવું છે કે પંકજ ઉધાસ જ્યારે પણ પોતાનો ગઝલનો આલ્બમ રિલીઝ કરતા ત્યારે તે કેસેટ ની પ્રસાદી કરવા તે અચૂક ચરખડી ગામમાં આવતા હતા. અહીં પુનબાઈ મા અને લાલબાઈ માના ચરણોમાં પોતાની કેસેટ ધરતા અને ત્યારબાદ તે રિલીઝ કરતા હતા.
આજે પંકજ ઉધાસના નિધન બાદ તેમના જીવનની અનેક યાદો ગામ લોકોમાં જોડાયેલી છે. અહીં આજે પણ પંકજ ઉધાસનું જુનવાણી મકાન આવેલું છે. નળિયા વાળું આ મકાન જ પંકજ ઉધાસ નું એક સમયનું ઘર હતું. સંગીત ક્ષેત્રે પોતાની બુલંદ સફળતા બાદ પણ પંકજ ઉધાસ પોતાના વતનને ભૂલ્યા ન હોતા. અહીં તેમની જૂની કેસેટ સહિતની યાદીઓ આજે પણ છે.
એટલું જ નહીં પંકજ ઉધાસ જ્યારે પણ ગામમાં આવતા ત્યારે લોકોને મળતા હતા. તેઓ માતાજીના મોટા ભક્ત પણ હતા અને વર્ષ દરમિયાન અવરનવર અહીં મુલાકાતે આવતા હતા.પંકજ ઉધાસનું નિધન થયું છે ત્યારે દેશે એક કલાકાર ખોયો છે પરંતુ આ ગામે તો પોતાનો દીકરો ખોયો છે. પંકજ ઉધાસના નિધનના સમાચાર સાંભળતા જ નાના એવા ચરખડી ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

આજે લીધા અંતિમ શ્વાસ
ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયું છે. ગાયક લાંબા સમયથી બિમારીથી પીડિત હતા. સિગરના પરિવારે એક નિવેદન જારી કરીને તેમના નિધનની જાણકારી આપી છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ‘ભારે હૃદય સાથે, અમે તમને 26 ફેબ્રુઆરી 2024ના રોજ લાંબી માંદગીને કારણે પદ્મશ્રી પંકજ ઉધાસના દુ:ખદ નિધનની જાણ કરતાં દુઃખી છીએ. પંકજ ઉધાસ સ્વાદુપિંડના કેન્સરથી પીડિત હતા. તેને આ અંગેની જાણ ચાર મહિના પહેલા થઈ હતી.


