ભગવાન બુદ્ધ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે વિહાર કરી રહ્યા હતા. તેઓ જ્યારે પાટલીપુત્રમાં પ્રવેશ્યા ત્યારે તેમના પરમ ભક્તોએ તેમનું બહુ ભાવભર્યું સ્વાગત કર્યું. લોકોએ યથાશક્તિ બુદ્ધ ભગવાનને ભેટસોગાદ આપવાનું નક્કી કર્યું. પાટલીપુત્રના રાજા બિંબિસારે પણ કીમતી હીરા અને મોતી તેમને ભેટ કર્યાં. ત્યારે બુદ્ધ ભગવાને એક હાથે આ ભેટને સ્વીકારી. ત્યારબાદ મંત્રીઓ, શેઠો ને શાહુકારોએ ભગવાનને પોતાના ઉપહાર સમર્પિત કર્યા. આ ભેટસોગાદને પણ બુદ્ધ ભગવાને એક હાથે જ સ્વીકારી. ત્યારબાદ પાટલીપુત્રની સામાન્ય પ્રજાએ ભેટસોગાદો આપવાનું શરૂ કર્યું. બુદ્ધ ભગવાને સૌની ભાવનાને જોતાં સહર્ષ બધી જ ભેટસોગાદનો સ્વીકાર કર્યો, પણ બધી જ ભેટસોગાદ એક જ હાથે સ્વીકારી.
બુદ્ધ ભગવાનના સ્વાગતની અને તેમને ભેટ આપવાની ગતિવિધિ ચાલુ હતી તેવામાં એક ગરીબ વૃદ્ધા લાકડીના ટેકે-ટેકે ચાલતાં ત્યાં આવી પહોંચી અને બુદ્ધ ભગવાનને પ્રણામ કર્યા. પછી આ વૃદ્ધા બોલ્યાં કે જે સમયે મને તમારા આગમનના સમાચાર મળ્યા તે સમયે હું આ દાડમનું ફળ ખાઈ રહી હતી. મારી પાસે બીજી કોઈ જ વસ્તુ નથી. હું બહુ જ ગરીબ છું. જ્યારે સમાચાર મળ્યા કે તમે પધાર્યા છો તો મેં તરત જ આ ફળ ખાવાનું બંધ કરી દીધું અને આ અડધું ખાધેલું ફળ જ તમારાં ચરણોમાં ધરાવવા માગું છું. જો તમે આ તુચ્છ ભેટનો સ્વીકાર કરશો તો હું મારાં સદભાગ્ય સમજીશ.
આ સાંભળતાં જ ભગવાન બુદ્ધે બંને હાથે ખુદ આગળ આવીને આ ભેટનો સ્વીકાર કર્યો. રાજા બિંબિસારે જ્યારે આ દૃશ્ય જોયું તો તેમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તેમણે બુદ્ધ ભગવાનને કહ્યું કે ક્ષમા કરો, પણ હું એક પ્રશ્ન પૂછવા માગું છું. બુદ્ધ ભગવાને તેમને પ્રશ્ન પૂછવાની અનુમતી આપી ત્યારે તેમણે પૂછ્યું કે, `અમે સૌએ આપને સુંદર કીમતી ભેટસોગાદ આપી, પણ તમે આ દરેક ભેટસોગાદને માત્ર એક જ હાથે ગ્રહણ કરી. જ્યારે આ ગરીબ વૃદ્ધા દ્વારા અપાયેલા અડધા ખાધેલા ફળને તમે બંને હાથે આગળ આવીને સ્વીકાર્યું એવું કેમ?’
આ સાંભળીને બુદ્ધ હસ્યા અને કહ્યું કે, `રાજન, તમે બધાએ બહુ મૂલ્યવાન ઉપહાર આપ્યા છે, પરંતુ આ ઉપહાર તમારી સંપત્તિનો દસમો ભાગ પણ નથી. તમે આ દાન ગરીબ અને દીનહીનનાં દુ:ખદર્દ નિવારવા માટે નથી કર્યું ત્યારે તમારું આ દાન સાત્ત્વિક શ્રેણીમાં નથી આવતું.
તેનાથી વિપરીત આ વૃદ્ધા પાસે કંઈ જ નથી. માત્ર અડધું દાડમ જ હતું અને તેમની પાસે જે હતું તે સમગ્ર તેમણે મારા માટે સમર્પિત કરી દીધું. તેમના દાનમાં જે સમગ્ર આપી દેવાનો સમર્પિત ભાવ છે તે તમારી કીમતી ભેટસોગાદમાં નથી. તેથી જ મેં તેમનું દાન બંને હાથે હૃદયથી સ્વીકાર્યું.’