- ઉનામાં શાળાની છત પરના પોપડા ખર્યા
- શાળાના 3 રૂમમાં વરસાદનું પાણી ટપકવાની સમસ્યા
- હાલમાં વિદ્યાર્થીઓ એક જ ખંડમાં બેસવા મજબૂર
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક શાળાની છત પરના પોપડા ખર્યા છે. મોટા ડેસર ગામે કુમાર શાળાના બિલ્ડિંગમાંથી પોપડા પડ્યા છે અને વિદ્યાર્થીઓ આવી આ બિલ્ડિંગમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર પણ કોઈ દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
શાળાના 3 રૂમમાં વરસાદનું પાણી ટપકવાની સમસ્યા
ઉનાના મોટા ડેસરમાં આવેલી કુમાર શાળાના જૂના બિલ્ડિંગના પગથિયાના ભાગના છત ઉપરના પોપડા પડ્યાની ઘટના સામે આવી છે. શાળામાં ઉપરના ભાગે ત્રણ ઓરડામાં વર્ગ ખંડ આવેલા અને આ ત્રણેય વર્ગ ખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી પણ સતત ટપકી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ઈજા થવાનું જોખમ રહેવુ છે. હાલમાં વર્ગ ખંડ અને કોમ્પ્યુટર લેબને ભેગી કરી છે અને વિદ્યાર્થીઓ એક જ વર્ગ ખંડમાં બેસવા માટે મજબૂર બન્યા છે.
જૂનાગઢમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના
જૂનાગઢના કેશોદના કુંભારવાડા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ પાણીની ટાંકી 25 વર્ષ જૂની હોવાની જાણકારી મળી છે. જો કે ટાંકી ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ રહેણાંક મકાન અને 2 બાઈકને નુકસાન થયુ છે. ત્યારે ટાંકી તુટી પડવાથી કાટમાળ કૂવામાં ગરકાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ટાંકીનો પ્રશ્ન હલ કરવામાં ના આવતા તંત્ર સામે લોકો રોષે ભરાયેલા હતા.
વડોદરામાં જર્જરિત મકાન ધરાશાયી
વડોદરામાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના વાડી વાયડાપોળમાં જર્જરિત મકાનનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ મકાનનો એક ભાગ પડ્યો હતો. જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતાં જ મકાનમાં રહેતા માતા અને પુત્રીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જો કે મકાનનો ભાગ ધરાશાયી થતાં જ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આવીને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યુ છે.
વરસાદથી દુકાન ધરાશાયી થતાં આસપાસમાં ભારે દોડધામ
પાલનપુરમાં વરસાદના કારણે એક દુકાન પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મોટી બજારમાં આવેલી દુકાન વરસાદના કારણે ધરાશાયી થઈ હતી, જો કે દુકાનમાં કોઈ ના હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટના બાદ જીઈબી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નાખવામાં આવ્યું છે.


