યુનિટી ફાઉન્ડેશન દ્વારા ૧૨૬ દિકરીના સમુહલગ્ન યોજાયા હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પરસાણા ચોક ખાતે ગત ગુરુવારે સેવા અને સામાજિક સમરસતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. પૂર્વ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા માર્ગદર્શિત યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ ૧૨૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દીકરીઓને નદીઓના પવિત્ર જળ સાથે જળસંચય માટે વિશેષ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુનિટી ફાઉન્ડેશન સામાજિક ઉત્થાન માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. સંસ્થાના નેજા હેઠળ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતાના અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. ગઈકાલે યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તમામ સમાજની ૧૨૬ દીકરીઓને કરિયાવરમાં ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભેટ આપી વિદાય કરવામાં આવી હતી.
આ પ્રસંગે સહભાગી થયેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ જતન અને જળસંચયના ક્ષેત્રમાં ક્રાંતિકારી કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં હજારો જળસંચય માટેના સ્ટ્રકચરોનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડે-ગામડે પાણીના સ્તર ઊંચા લાવવા માટે આ ટ્રસ્ટ લોકભાગીદારીથી કાર્ય કરે છે. માત્ર પર્યાવરણ જ નહીં, પણ સામાજિક પ્રસંગોમાં સંસ્કારોનું સિંચન કરવું એ ગીરગંગા પરિવારની ઓળખ બની છે.
ગુરુવારે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન વિધિ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૨૬ દીકરીઓને ભારતભરની ૧૧૧ પવિત્ર નદીઓના જળ હાથમાં આપીને જળસંચય માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ આ પવિત્ર જળના માધ્યમથી દીકરીઓ પોતાના નવા ઘરે સંસ્કાર અને સમૃદ્ધિની ગંગા વહાવે તેવો મંગલ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૨૬ દીકરીઓ નવા જીવનની શરૂઆત કરી રહી છે, ત્યારે તેમને દેશની ૧૧૧ પવિત્ર નદીઓના જળ અર્પણ કરીને સંસ્કારના સિંચનનો પ્રયાસ કર્યો છે. પાણી એ જીવનનો આધાર છે અને આ પવિત્ર જળ સાક્ષી છે કે આ દીકરીઓ પોતાના સાસરી પક્ષમાં ગંગા જેવી પવિત્રતા અને વહેતી નદી જેવી શીતળતા જાળવી રાખશે. શ્રી દિલીપભાઈ સખીયાએ ભરતભાઈ બોધરા અને યુનિટી ફાઉન્ડેશનના સામાજિક ઉત્થાન માટેના આ કાર્યને અત્યંત પ્રસંસનીય ગણાવ્યું હતું.


