- ધીરજસાહુને ત્યાં આઇટી રેડનો સાતમો દિવસ
- રાંચી સ્થિત ઘરે થઇ રહી છે તપાસ
- કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસને લીધી આડેહાથ
કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના 9 સ્થળો પરથી મળી આવેલી જંગી રોકડને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષો આ મામલે કોંગ્રેસને નિશાન બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. નેતાઓના એક પછી એક નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ધીરજ સાહુ મામલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
ગિરિરાજસિંહે કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
ગિરિરાજસિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં ભ્રષ્ટાચારની હદ છતી થઈ ગઈ છે. આ તમામ પૈસા આગામી ચૂંટણીમાં પીએમ મોદીને હરાવવા માટે જમા કરાવવામાં આવી રહ્યા હતા. વધુમાં કહ્યું કે અત્યાર સુધી આ રિકવરી અંગે ઇન્ડિ. ગઠબંધન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ન તો અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર પોતાનું વલણ વ્યક્ત કર્યું છે અને ન તો મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીની ધરપકડ પર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. પણ ભારતની જનતા કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપશે.
કલમ 370ને લઇને કર્યા કોંગ્રેસ પર પ્રહાર
આ ઉપરાંત ગિરિરાજ સિંહે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ દ્વારા જે ભૂલો કરી હતી તેને સુધારવાનું કામ પીએમ મોદીનું છે. તેમણે કહ્યું કે પીઓકે હેઠળ બંધારણમાં ઉલ્લેખિત 24 વિધાનસભા બેઠકો પણ ભરવામાં આવશે.


