- યુવતી તેના બોયફ્રેન્ડ તથા તેના માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી
- બાગડોગરા એરપોર્ટ પર CISFના કર્મચારીઓએ યુવતીને કેસ ન કરવા સલાહ આપી
- વિગત અનુસાર તેણીની બાજુમાં કોલકાતાનો એક કાયદાનો સ્ટુડન્ટ બેઠો હતો
પોતાના બોયફ્રેન્ડ અને તેના પરિવાર સાથે મુસાફરી કરી રહેલી એક 26 વર્ષની છોકરીએ સ્પાઇસ જેટ ફ્લાઇટની અંદર છેડતી થઇ હોવાનો આરોપ મૂક્યો છે. આ યુવતીનો આરોપ છે કે એરલાઇનના ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષા કર્મચારીઓએ તેને છેડતીનો કેસ કરતાં રોકી હતી. તેણીએ જણાવ્યું હતું કે આરોપી યુવકે ખોટી રીતે સ્પર્શ કર્યો હોવાની કબૂલાત આપી દીધી હતી તેમ છતાં વિમાનમાં હાજર ક્રૂ મેમ્બર્સ અને સુરક્ષા કર્મચારીઓએ તેને છેડતીનો કેસ દાખલ કરતાં રોકી હતી. તેણે જણાવ્યું હતું કે બાગડોગરા એરપોર્ટ પર સીઆઈએસએફના કર્મચારીઓએ પણ તેણીને ફરિયાદ કરતાં રોકી હતી. તેમનું કહેવું હતું કે આ ઘટનાનો કોઇ પુરાવો નથી. તે પછી તેમણે યુવકને માફી માંગીને જવા દેવા જણાવ્યું હતું. ગત 31 જાન્યુઆરીની આ ઘટનામાં યુવતી તેના બોયફ્રેન્ડ તથા તેના માતા-પિતા સાથે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી ત્યારે યુવક અને તેના માતા-પિતા ત્રણની સીટમાં બેઠા હતા અને યુવતી અલગ લાઇનમાં બહારની સાઇડ પર બેઠી હતી. વિગત અનુસાર તેણીની બાજુમાં કોલકાતાનો એક કાયદાનો સ્ટુડન્ટ બેઠો હતો.
યુવકે જાંઘ પર હાથ ફેરવ્યો હોવાનો આરોપ
ઘટનાની વિગત અનુસાર યુવતી ઇયરફોન લગાવીને બેઠી હતી ત્યારે બાજુમાં બેઠેલા યુવકે આર્મરેસ્ટ પરથી તેની બગલમાં આંગળી ફેરવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો યુવતીને ભૂલથી ટચ થઇ ગયો હોવાનું લાગ્યું હતું પણ તે પછી તેને લાગ્યું કે યુવકનો હાથ તેની જાંઘ પર પહોંચી ગયો હતો અને તેને પંપાળવા લાગ્યો હતો. યુવતીએ બૂમ પાડતાં યુવકે જણાવ્યું હતું કે તેને ખેદ છે. યુવતીએ ગુસ્સામાં આવીને યુવકને તમાચો માર્યો હતો. એરહોસ્ટેસે યુવતીને ચેતવણી આપી હતી કે તેણી કાયદો હાથમાં લઇ શકે નહીં. તે પછી યુવકને બીજી બેઠક પર લઇ જવાયો હતો પણ યુવતીએ તેની સામે કાર્યવાહી કરવાનો આગ્રહ રાખ્યો હતો. ફ્લાઇટ લેન્ડ થયાં બાદ ક્રૂ મેમ્બર્સ અને સીઆઈએસએફના સ્ટાફે તેણીને સલાહ આપી હતી કે યુવક સ્ટુડન્ટ હોવાના કારણે તેને છોડી દેવામાં આવે.


