બનાસ સૈનિક સ્કૂલની કન્યા કેડેટ્સે તાજેતરમાં મધ્ય પ્રદેશના રેવા ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણ યુવાન ખેલાડીઓએ ભેગા મળીને કુલ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
મેડલ વિજેતા કન્યા કેડેટ્સ
- કૃતિ સિંહ: તેમણે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
- બી. ભુવના: તેમણે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું.
- પ્રિયા કુમારી: તેમણે 200 મીટર દોડમાં સિલ્વર મેડલ સાથે બીજું સ્થાન મેળવ્યું.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં સેના અને વાયુસેનાના વડાઓની ઉપસ્થિતિમાં વિજેતા કેડેટ્સને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
શાળા પરિવારે વ્યક્ત કર્યો ગૌરવ
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને બનાસ સૈનિક સ્કૂલના ચેરમેન પી.જે. ચૌધરીએ વિજેતા કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, “કન્યા કેડેટ્સે રાષ્ટ્રીય મંચ પર દર્શાવેલી પ્રતિભા બનાસકાંઠા માટે ગૌરવની ક્ષણ છે. આ જીત માત્ર મેડલ જીતવાની નથી, પરંતુ દીકરીઓ શું કરી શકે છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.” તેમણે ઉમેર્યું હતું કે, સ્કૂલે ઓછા સમયમાં જે પ્રગતિ કરી છે તે અહીંની શિસ્ત અને ગુણવત્તાયુક્ત તાલીમનું પ્રમાણપત્ર છે, અને ભવિષ્યમાં રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવશે.


