- ગીરસોમનાથમાં સ્માર્ટ વીજ મીટરને લઈ વિરોધ
- 1.5 લાખ ઘર અને દુકાનોમાં સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત
- વિરોધ વચ્ચે પણ 400 સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવાયા
વેરાવળ PGVGCL વીજ ડિવિઝનના વેરાવળ સોમનાથ તાલાળા સૂત્રાપાડાના એક લાખ પાંચ હજાર ઘર લાઈટ અને દુકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવાની શરૂઆત થતા જ વિરોધ કરાયો છે.જેમા 400 મીટરો ઇન્સ્ટોલ કરી દેવાયા છે.ત્યારે ગીર સોમનાથમાં પણ આ બાબતે લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા.વેરાવળ ડિવિઝન હસ્તક આવતા સોમનાથ વેરાવળ તાલાળા સૂત્રાપાડામાં શરૂઆત કરાતા જ વિરોધ ઉઠયો છે.
1.64 કરોડ મીટર લાગતાં બે વર્ષ લાગશે
કેન્દ્ર સરકારની રીવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યૂશન સેક્ટર સ્કીમ અનુસાર ગુજરાતમાં 1.64 કરોડથી વધુ વીજ વપરાશકારો માટે સ્માર્ટ મીટર મંજૂર થયાં છે. તમામ મીટરો સ્માર્ટ મીટરોમાં રૂપાંતરિત થતાં ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો લાગશે. જોકે ખાનગી વીજ કંપનીના ગ્રાહકો માટે આ પ્રથા કંપનીના નિર્ણયને આધીન છે.
સૌથી વધુ વિરોધ વડોદરામાં
વડોદરાના પાદરામાં MGVGCL દ્રારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બીજા દિવસે પણ પાદરાના ગ્રાહકો એમજીવીસીએલની કચેરી પહોંચી સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવા માંગ કરી હતી. ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરી સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાવવા માગ કરી હતી. પાદરામાં સતત બીજા દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાદરાના વોર્ડ નંબર 3ના રહીશો વીજ કંપનીની ઓફિસમાં વિરોધ કરી રહ્યા છે. પાદરા એમજીવીસીએલ કચેરીમાં ગ્રાહકો આક્રોશમાં દેખાઈ રહ્યા હતા. તેઓએ માંગ કરી હતી કે સ્માર્ટ મીટર કાઢી જૂના મીટરો પરત નાખવામાં આવે. લોકોએ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતા.
સુરતમાં DGVCLએ લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ
હવે ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં પણ સ્માર્ટ મીટર સામે ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરા બાદ સુરતમાં પણ સ્માર્ટ મીટર સામે ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ડીજીવીસીએલ દ્રારા પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ગ્રાહકો ડીજીવીસીએલની ઓફિસ પહોંચ્યા છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે. પહેલા 1500 રૂપિયા બિલ આવતું હતું જે સ્માર્ટ મીટર લગાવતા 2000થી 2500 રૂપિયા આવતું હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે ગ્રાહકોએ ફરીથી જૂના મીટરો લગાવવા માંગ કરી છે. ઘણી વખત વહેલું રીચાર્જ કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. રીચાર્જ કરવામાં મોડું થતા વીજ સપ્લાય બંધ થઈ જતો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગોધરામાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ
એક પછી એક ઘણા વિસ્તારોમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે ગોધરામાં પણ સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોધરાના ખાડી ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારોએ વિરોધ કર્યો છે. શ્રમિકો પાસે મોબાઈલ ન હોવાના કારણે રિચાર્જ કરાવી શકતા નથી એટલે વીજળી બંધ કરી દેવામાં આવે છે, એવો આક્ષેપ પણ લગાવ્યો છે. અહીં શ્રમજીવી પરિવારો અંધારામાં ટોર્ચના સહારે જમવાનું બનાવી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રિચાર્જ કરાવ્યા બાદ ઝડપથી પૂરૂ પણ થઈ જાય છે. આ આક્ષેપને લઈને ધારાસભ્યએ વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. 2 હજારની ક્રેડિટ લિમિટ કરવા ચર્ચા કરાઈ હતી.


