લભન્તે બ્રહ્મનિર્વાણમૃષય: ક્ષીણકલ્પષા: II
છિન્ન દ્વિધા યતાત્માત: સર્વ ભૂતહિતે રતા: II5/25II
અર્થ : જેમનાં પાપ નાશ પામ્યાં છે, જેની શંકા શમી ગઈ છે, મન ઉપર કાબૂ મેળવ્યો છે અને જેઓ પ્રાણીમાત્રના હિતમાં પરોવાયેલા રહે છે એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે.
આ શ્લોકમાં પણ ભગવાને બ્રહ્મનિર્વાણ અર્થાત્ મોક્ષ માટે શું શું જરૂરી છે તે સમજાવ્યું છે.
- જેનાં પાપ નાશ પામ્યાં હોય.
- જેનો સ્વભાવ શંકાશીલ ન હોય.
- જેનો પોતાના મન ઉપર કાબૂ હોય.
- જેના હૈયામાં પ્રાણીમાત્રનું હિત વસેલું હોય.
આવી વ્યક્તિ ઋષિ બની જાય છે અને તે ઋષિ કૃષ્ણમય બનીને મોક્ષ પામે છે. પાપનો નાશ થયો હોય એમ જણાવ્યું છે તો અહીંયાં સવાલ થાય કે પાપનો નાશ કેવી રીતે થાય? ઘણી વખત વ્યક્તિથી અજાણતાં પણ કોઈ પાપકર્મ થઇ જતું હોય છે. શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં પુણ્યકાર્યનું જે રીતે વર્ણન થયું છે તેવી રીતના પુણ્યકાર્યમાં જ રચ્યાપચ્યા રહેવું. આમ કરવાથી વ્યક્તિનાં પુણ્યમાં વધારો થાય છે. કદાચ આવી રીતે પુણ્યના વધારાથી પાપકર્મનો નાશ કે તેમાં ઘટાડો થઇ શકે છે. જોકે, વ્યક્તિએ દરેક કર્મનું ફળ તો અવશ્ય ભોગવવાનું છે જ, તેમ છતાં પુણ્યકર્મ વધવાથી પાપકર્મનો ભાર ચોક્કસ ઘટી શકે છે.
કામ ક્રોધાવિમુક્તાનાં યતીનાં યતચેતસામ II
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ II5/26II
અર્થ : જેઓ કામ અને ક્રોધથી મુક્ત છે, જેમણે મનને વશ કર્યું છે, જેઓ આત્મજ્ઞાની છે અને જેઓ પૂર્ણતા પામવા સતત પ્રયત્નશીલ છે તેમના માટે બ્રહ્મનિર્વાણ નિશ્ચિત છે.
કામના અને ક્રોધથી મુક્ત થવા ઉપર અને મનને વશ કરવા ઉપર અહીં ભાર મુકાયો છે. મનને વશ કરવું, કામ-ક્રોધથી મુક્ત થવું આ બધું એકબીજા પર આધરિત અને પૂરક છે. જો મનને વશ કરી દો તો કામ ક્રોધથી આપોઆપ મુક્ત થઇ જવાશે. આ શ્લોકમાં જે બાબતો વર્ણવી તે છે કે,
- કામ-ક્રોધથી મુક્તિ.
- મનને વશ કરવું.
- આત્મજ્ઞાની થવું.
- પૂર્ણતા પામવા સતત પ્રયત્ન કરવો.
આ બધામાંથી જો તમે કોઇ એકને જડબેસલાક રીતે પાળવા માંડો તો બાકીની ત્રણેય બાબતો સ્વયં તમારામાં આવી જશે. પૂર્ણ થવું- પૂર્ણતા તરફ જવું, આ ક્યારે શક્ય બને? આત્મજ્ઞાન થાય ત્યારે. કામ ક્રોધને વશ કરવો, આ ક્યારે શક્ય બને? મનને વશ કરો ત્યારે. આમ જો ધ્યાનથી અને સૂક્ષ્મ રીતે જોઇએ તો વ્યક્તિનામાં એક જ સદ્ગુણ પ્રગટે ને તો પછી બીજી બાબતો કે બીજા સદ્ગુણ આપોઆપ આવી મળે છે અને આવા સદ્ગુણ, સારાં તત્ત્વો, સારી બાબતો જ્યારે તમારામાં પ્રગટે ત્યારે તમે મોક્ષ પામી શકો, ઈશ્વરને પામી શકો, કૃષ્ણમય થઇ શકો એ પણ એટલું જ સ્વાભાવિક છે.