સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ સરકાર પાસે ગ્રાન્ટરૂપી ખોળો પાથર્યો
રાજકોટના વિકાસ માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગતો ખોળો પાથર્યો છે. સ્વર્ણિમ જયંતી મુખ્યયમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના રૂ.૫૭૨.૭૧ કરોડ માગ્યા છે. આ ગ્રાન્ટમાંથી ક્યા-ક્યા કામ કરવાની યાદી સાથેની દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં મંજૂર કરવામા આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યુ હતુ કે, શહેરોનો સર્વાંગી વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પસાર કરવામાં આવેલ તા.૧૫/૦૫/૨૦૧૨નાં ઠરાવથી શહેરીકરણની ઝડપી પ્રક્રિયા અને તેમાંથી ઉપસ્થિત થતાં પડકારોને પહોંચી વળવા શહેરની માળખાકિય સુવિધાઓની જરૂરીયાત પુરી કરવાના આશયથી શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ પર લેવામાં આવનાર વિકાસ કામોની વિગત નીચે મુજબ છે.
આંતર માળખાકીય ગ્રાન્ટ
વર્ષ ૨૦૨૪-૨૫માં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે કુલ રૂ.૩૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે, જે પૈકી રાજકોટ શહેરને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૨૭૮.૦૭ કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે જોગવાઇ કરી છે, જે પૈકી હાલના તબક્કે રૂ.૯૪.૫૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ મળી રૂ.૫૧૧.૯૯ કરોડના ત્રણ પ્રકારના કુલ-૨૩૦ વિકાસ કામો માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે.
અર્બન મોબીલિટી
અર્બન મોબીલીટી હેડ હેઠળ શહેરનાં રોડ ઓવરબ્રિજ/અંડરબ્રિજ, રેલ્વે અંડરબ્રિજ, હૈયાત નાળાને પહોળા કરવા, સર્કલ ડેવલપમેન્ટ, બ્રીજને સ્ટ્રેન્ધનીંગ, જુના બ્રિજને વાઇડનીંગ, શહેરનાં મુખ્ય રસ્તા પર થર્મોપ્લાસ્ટ થી રોડ માર્કીંગ, પ્રધાનમંત્રી ઇ–બસ માટે ચાર્જીંગ સ્ટેશન, સી.એન.જી બસો માટે ડેપો વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
ભૌતિક આંતર માળખાકીય સુવિધા
ભૌતિક આંતરમાળખાકીય સુવિધા હેડ હેઠળડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, રોડ પર ફુટપાથ, સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન, ટી.પી. રસ્તા રીસ્ટોરેશન કરી ડામર કાર્પેટ કામ, નવી વોર્ડ ઓફીસ, આવાસ યોજનાનાં કંપાઉન્ડમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નવા ભળેલ વિસ્તારમાં સ્વીમીંગ પુલ, ડીવાઇડર સ્ટોન ફીટીંગ કામ, વોકળાની બાજુમાં દિવાલ તથા સ્લેબ કલ્વટ કામ, સેન્ટ્રલ લાઇન ડીવાઇડર, વિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ
સામાજીક આંતરમાળખાકીય સુવિધા હેડ હેઠળ અનામત પ્લોટ પર હાઇજેનિક ફુડ કોર્ટ, કોમ્યુનિટી હોલ, એનીમલ હોસ્ટેલ, હોલ તથા ગાર્ડન રીનોવેશન કામ, રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલીયન બનાવવાનું કામ, રેસકોર્ષ સંકુલમાં યોગા સેન્ટર, શાળા તથા લાઇબ્રેરી નવિનીકરણ,આરોગ્ય કેન્દ્ર તથા સીટી ટ્યુબરક્યુલોસીસ સેન્ટર, શાક માર્કેટ તથા ફુડ ઝોન, મોર્ડનાઇઝ્ડ ટોઇલેટ, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં બિલ્ડીગોમાં રૂફ ટોપ સોલાર સીસ્ટમવિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી સડક યોજના
વર્ષ ૨૦૨૪-૨૫માં મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ કુલ રૂ.૬૦૦.૦૦ કરોડની જોગવાઇ થયેલ છે, જે પૈકી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૬૦.૭૨ કરોડની ગ્રાંટની જોગવાઇ કરેલ છે, જે પૈકી હાલના તબક્કે રૂ.૫૩.૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. સડક યોજના હેડ હેઠળ ઝોનલ એક્શન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
માધાપર સુએઝ પ્લાન્ટના સ્થળે બનશે મિયાવાકી ફોરેસ્ટ, 3૪૦૦૦ પ્લાન્ટેશન
ન્યૂ રાજકોટમાંથી નીકળતા દૂષિત પાણીના શુધ્ધિકરણ માટે માધાપર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામા આવ્યો છે. તેની ખુલ્લી જગ્યામાં મિયાવાકી ફોરેસ્ટ બનાવવામા આવશે. અંદાજે રૂ.3૦ લાખ જેટલો ખર્ચ થશે. મિયાવાકી થીમ પર કુલ 3૪૦૦૦ નંગ વિવિધ પ્લાન્ટેશન થશે. કુલ ૨૦ હજાર ચો.મી. જગ્યામાં મીયાવાકી ફોરેસ્ટ બનશે.
જયનાથ હોસ્પિટલ પાછળ વોંકળા પર ફૂટ બ્રિજ માટે 23.૭૨ લાખનો ખર્ચ મંજૂર
સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં કુલ ૪૮ દરખાસ્ત સાથેનો એજન્ડા મુકવામા આવશે. મહત્વની દરખાસ્ત જોઇએ તો શહેરમાં નવા બ્રિજ બનાવવા માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જે પ્રોજેક્ટ મુકવામા આવ્યા છે એ પૈકી ભક્તિનગર સર્કલથી ગીતામંદિર રોડ તરફ જયનાથ હોસ્પિટલ પાસેની શાકમાર્કેટ પાસે વોંકળો આવેલો છે. તેના પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૨3.૭૨ લાખ મંજૂર કરાયા હતા.
મુંજકા ગેટથી રિંગરોડ-૨ સુધી 3 કરોડ ૭3 હજારના ખર્ચે થશે રોડની કાયાપલટ
નવો રિંગરોડ-૨ બન્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી મુંજકા ગામનો ગેટ, પોલીસ ચોકી થઇને રિંગરોડ-૨ સુધી ટ્રાફિક વધ્યો છે. અહીં સવારથી રાત સુધી સતત ટ્રાફિકની અવરજવર રહે છે. આ રોડ શહેરનો વધુ એક પ્રવેશદ્વાર બની ગયો છે. જેને ધ્યાનમાં રાખીને મુંજકા ગેટથી રિંગરોડ-૨ સુધી રોડ વાઇડનીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. અંદાજે એક કિલોમીટરનો આ રોડ રૂ.3 કરોડ ૭3 હજારના ખર્ચે ફોર ટ્રેક બનાવી સેન્ટ્રલ ડિવાઇડર, રોડની બન્ને બાજુ અને ડિવાઇડરમાં બ્યુટિફિકેશન, લાઇટીંગ પોલ અને રસ્તાની બન્ને બાજુ પેવીંગ બ્લોક નાખવામા આવશે.