તા.11ના રોજ રાજકોટમાં કૂકિંગ એક્સપર્ટ અને અમદાવાદ એલેક્સા સ્ટુડિયોના શિવાની મહેતાની ઉપસ્થિતિમાં યોજાશે વાનગી સ્પર્ધા
(ભાવના દોશી)
રાજકોટના લોકો ખાવા ખવડાવવાના શોખીન છે અને બહેનો નવી નવી વાનગી બનાવવાની શોખીન છે.રાજકોટની બહેનો કૂકિંગ ફિલ્ડ માં ઘણી આગળ છે.તેઓ સુરત અમદાવાદ બોમ્બે જેવા શહેરોમાં યોજાતી કોમ્પિટીશનમાં ભાગ લઈ વિજેતા બનીને આવે છે.રાજકોટમાં કુકિગ ક્ષેત્રે વધુ એક કૂકીંગ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે.
એલેક્સા સ્ટુડિયો અમદાવાદ અને વીટીવી ગુજરાતી દ્વારા “રસોઈ ઘર” ટીવી શો માટે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ચાર શહેરોમાં આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ બરોડા અને સુરતમાં આ કુકિંગ કોમ્પિટિશનનો રાઉન્ડ પૂર્ણ થયો હતો જ્યારે આગામી તારીખ 11 ડિસેમ્બરના રોજ રાજકોટ સયાજી હોટલ ખાતે સવારે 11:00 થી બપોરે 2:00 દરમિયાન કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કુકિંગ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ સ્પર્ધકોને અમદાવાદમાં ગ્રાન્ડ ફિનાલેમાં લાઈવ કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટીસિપેટ કરવાનું રહેશે.ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા થનારને “રસોઈ ઘર”કુકિંગ શો માં એક્સપર્ટ તરીકે રેસીપી રજૂ કરવાની તક મળશે, તેમજ પોતાની કેરિયરને એક નવી ઊંચાઈ મળશે. આ કુકિંગ કોમ્પિટિશનમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ગૃહિણી,વર્કિંગ વુમન, કુકિંગ એક્સપર્ટ તેમજ હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ સહિત દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા બાબત કુકિંગ એક્સપર્ટ અને એલેક્સા સ્ટુડિયોના શિવાની મહેતાએ જણાવ્યું હતું કે, “જે લોકોને કુકિંગના ક્ષેત્રમાં રસ છે તેના માટે આ એક ખુબ સુંદર તક છે.આ સ્પર્ધામાં વિજેતા થઈ ટીવી શોમાં ભાગ લઈ પોતાની એક આગવી ઓળખ બનાવી શકશે તેમજ કેરિયરને એક નવો વળાંક આપી શકાશે.હોમ સાયન્સના વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધા દ્વારા કેરિયરની એક નવી દિશા ખુલશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરમાંથી વધુમાં વધુ લોકો આ સ્પર્ધામાં ભાગ લો અને પોતાના જીવનને એક નવી દિશા આપો.”