– ચાંદીમાં જોકે મક્કમતા જોવા મળી: કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ વધ્યાના નિર્દેશો
– વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડ ફરી તૂટી ૯૦ ડોલરની અંદર ઉતર્યું
Updated: Oct 31st, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં વિશ્વબજાર પાછળ ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ જે વધી ઔંશના ૨૦૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા તે આજે ફરી ગબડી ૨૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા. અમેરીકન બોન્ડના યીલ્ડ વધતાં વિશ્વબજારમાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર વચ્ચે સોનામા ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું.
દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ૨૦૦૬થી ૨૦૦૭ વાળા નીચામાં ૧૯૯૧ થઈ ૧૯૯૫થી ૧૯૯૬ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૨૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૧૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૫૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૩.૧૧થી ૨૩.૧૨ વાળા નીચામાં ૨૩.૦૩ તથા ઉંચામાં ૨૩.૨૧ થઈ ૨૩.૧૩થી ૨૩.૧૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૭થી ૯૦૮ વાળા વધી ૯૨૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૨૪થી ૧૧૨૫ વાળા વધી ૧૧૪૨ થઈ ૧૧૩૬થી ૧૧૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક, કોપરના ભાવ આજે ૧.૬૦ ટકા વધ્યા હતા. અમેરિકામાં આ સપ્તાહમાં જાહેર થનારા વ્યાજના દર પર તથા ચીનમાં બહાર પાડનારા અર્થતંત્ર વિષયક આંકડાઓ પર બજારોની નજર હતી.
દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ફરી તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૦.૪૮ વાળા નીચામાં ૮૮.૭૪ થઈ ૮૯.૫૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રુડના ભાવ બેરલના ૮૫.૫૪ વાળા નીચામાં ૮૩.૭૧ થઈ ૮૪.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૩૫૦ વાળા રૂ.૬૦૯૯૩ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૬૦૦ વાળા રૂ.૬૧૨૩૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૦૫૦ વાળા રૂ.૭૧૭૩૩ થઈ રૂ.૭૧૯૩૧ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ચીનમાં મેન્યુફેકચરીંગ તથા સર્વિસ ક્ષેત્રના આંકડાઓ સપ્તાહમાં બહાર પડવાના છે.