- જે `જન’ એટલે કે જે પરમાત્માને સર્વસ્વ માનીને એનો થઈ ગયો છે તે વૈષ્ણવજન છે
આપણે ત્યાં બાર પ્રકારનાં મનની વાત થયેલી છે. એક મન તો છે મૃતકમન. એક મન છે કપિમન, ચંચલ મન. નિરંતર મન ઊછળકૂદ કરતું જ રહે છે. ત્રીજું મન છે માછલીમન. માછલીમાં થોડું રસમય મન છે. માછલી ચંચળ હોય છે, પરંતુ ચાંચલ્ય રસમાં છે; રસસિક્ત ચંચલ મનને માછલીમન કહે છે. રસ જ રસ છે, છતાં પણ કોઈ થોડો ચારો નાખે તો માછલીમન પકડમાં આવી જાય છે. ચોથું મન છે મૃગમન; હરણ જેવું મન. હરણ જ્યારે દોડશે ત્યારે એ તમારી સામે જોશે, પછી ભાગશે, તમારી સામે જોશે, ફરી ભાગશે! તમને જોવાનું બંધ નહીં કરે અને ભાગશે દૂર! જે હરિથી દૂર જઈ રહ્યું છે, પરંતુ હરિને જોઈ રહ્યું છે એવું મન, જેને મૃગમન કહે છે. પાંચમું મન છે મતંગમન, હાથી જેવું મન; મદમસ્ત, અહંકારી, અહંકારગ્રસ્ત મન. છઠ્ઠું મન છે મૃષકમન, મચ્છર જેવું મન, જે નિરંતર ગણગણાટ કરે છે. સાતમું મન છે મસ્તમન. પહેરવાં કપડાં ન હોય, પણ લહેરમાં હોય! અને મસ્ત મન મેં બહુધા કલાકારોમાં જોયું છે. કવિ હોય, ગાયક હોય, સંગીતકાર હોય અને જેમનામાં કલા હોય, એમનામાં અદબ પણ બહુ હોય છે. આઠમું મન છે મુકુર મન, દર્પણ જેવું મન.
તોરા મન દર્પણ કહેલાવે,
ભલે બુરે સારેં કર્મો કો દેખે ઔર દિખલાવે.
શ્રી ગુરુચરન સરોજ રજ નિજ મન મુકુર સુધારી.
નવમું મન છે મલિન મન. ઘણા લોકોમાં જીવનભર મનની મલિનતા જતી જ નથી! સારામાં પણ ખરાબ જોવું! દસમું મન છે મહંતમન. `મહંત’ શબ્દ બહુ જ સારો છે. મહંતમનનો અર્થ છે મહાન મન, વિશાળ મન, સંકીર્ણતા નહીં. વાતવાતમાં ખોટું લાગે એ ટૂંકું મન! મહંતમન તો ગાદી પર બિરાજમાન છે. આપણા જીવનની ગાદીને શોભાયમાન બનાવે એ મહંતમન. અગિયારમું મન છે મ્લેચ્છમન. મ્લેચ્છમન એટલે શેતાની, હિંસક મન; અને બારમું ને આખરી મન છે મોહનમન. `ગીતા’માં કૃષ્ણ કહે છે, ઈન્દ્રિયોમાં મન હું છું, એનો મતલબ મોહનમન, એ સ્વયં ગોવિંદ છે. તો આ બાર પ્રકારનાં મન છે.
હીરોશિમા પર જે બોમ્બ ફેંકાયો હતો એ મૃતકમનનું કાર્ય હતું. મને તો સત્ય, પ્રેમ અને કરુણા સિવાય બીજો કોઈ ઉપાય નથી દેખાતો. એમાં પણ સત્ય અને પ્રેમ કદાચ આપણા જેવા માટે ડહોળાઈ જાય, પરંતુ કરુણા કાયમ કરુણા રહે છે. ગોસ્વામીજી આપણને કરુણાનો વિષય પ્રદાન કરે છે. એનો શબ્દાર્થ આપણે સમજી લઈએ. `જેહિ જન પર મમતા અતિ છોહૂ.’ આપણા જેવા સંસારી લોકો કોઈ વસ્તુ યા વ્યક્તિમાં મમતા કરે તો દોષ છે, મમતા બંધન છે; પરંતુ એ તો આપણા જેવા સંસારીઓ માટે. એ જ મમતા સંસારી જો હરિમાં લગાવી દે તો `અનન્ય મમતા, વિષ્ણુ મમતા.’ પરંતુ એ જ મમતા પરમાત્મા જો જીવ પર કરે તો `અતિ છોહ’ બની જાય છે. શ્રેષ્ઠ જો નિમ્ન પર મમતા કરે તો એ દોષ નથી. જેવી રીતે ભગવાન શંકર પર આભૂષણ છે, એ બધાં દૂષણ ભૂષણ બની ગયાં! આપણી મમતા બંધન બની શકે છે. પરમાત્મા જો મમતા કરે તો `અતિ છોહ’ બની જાય છે. `અતિ છોહ’ એટલે અતિ પ્રેમ.
તો જે `જન’ એટલે કે જે પરમાત્માને સર્વસ્વ માનીને એનો થઈ ગયો છે, વૈષ્ણવજન છે, એ જન પર ઠાકુરની મમતા અત્યંત પ્રેમમાં પરિણમે છે અને એવા ઠાકુર એક વાર કરુણા કર્યા પછી ક્યારેય ક્રોધ નથી કરતા. `જેહિ કરુના કરી કિન્હ ન કોહૂ.’ અને પછી તુલસી સૂત્રપાત કરે છે કે `કબહુંક કરિ કરુના નર દેહિ.’ ક્યારેક ક્યારેક કરુણા કરીને પરમાત્મા આપણને મનુષ્યદેહ પ્રદાન કરે છે. મા-બાપ આપણા મનુષ્યદેહ માટે નિમિત્ત છે. તુલસી તો નૈમિત્તિક કારણોને હટાવીને કહે છે, ક્યારેક ક્યારેક એવું લાગે છે કે પ્રભુએ કરુણા કરી છે એટલે આપણે મનુષ્ય બન્યાં છીએ. `દેત ઈસ બિનુ હેતુ સનેહુ.’ કોઈ હેતુ વિના પ્રભુ આપણને માનવ બનાવી દે, કારણ કે પરમાત્મા અકારણ સ્નેહી છે. એમની કરુણાને કારણે આપણે મનુષ્ય થયા છીએ.
કેટલી કરુણા છે પરમાત્માની! આજુબાજુવાળા ધક્કો મારે છે, થપ્પડ મારે છે, ગાળો દે છે, પરંતુ એમની કરુણા તો જુઓ, ક્યારેય કોઈને પ્રત્યક્ષ રીતે એણે ધક્કો નથી દીધો! કેટલી કરુણા! પરમાત્માની કરુણા તો આસમાન છે, સૌની ઉપર છે. હા, આપણે આપણા પોતાના કારણે એને અનુભવી નથી શકતા, કેમ કે આપણામાં `જન’ થવાની પાત્રતા નથી! અપવિત્ર પાત્ર શુદ્ધ વસ્તુને અશુદ્ધ કરી દે છે. જે ઘડો મલિન હોય એમાં બિલકુલ અમૃત જેવું દૂધ નાખો તો દૂધ ફાટી જાય છે. દૂધનો દોષ નથી, મલિન પાત્રનો દોષ છે. પરમાત્માની કૃપા અને કરુણા આપણા સૌ પર છે. જોકે, મનની મલિનતાને કારણે ઘણી વાર આપણને અનુભવાતી નથી. તો માનસિક નિર્મલતા આવશ્યક છે.
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે `પરમાત્માના અનુભવ વિશે આપનું શું માનવું છે?’ પરમાત્માના અનુભવ વિશે મારું સ્પષ્ટ તાત્પર્ય છે, પ્રસન્નતાનો અનુભવ. મારા માટે પ્રસન્નતા જ પરમાત્મા છે. પવિત્રતા વિના પ્રસન્નતા નથી આવતી. વલ્લભ સંપ્રદાયમાં ઠાકુરને પવિત્રાં અર્પણ કરવામાં આવે છે. ધ્યાન દેજો, પ્રસન્નતા આપણું સ્વરૂપ છે, પરંતુ પવિત્રતાના અભાવે એ સ્વરૂપ દબાયેલું રહે છે. તો પવિત્રતાથી પ્રસન્નતા પેદા થાય છે અને પવિત્રતા પ્રામાણિકતાથી આવે છે. પ્રામાણિકતા વિના પવિત્રતા નથી આવતી. તો પ્રામાણિકતા+પવિત્રતા+પ્રસન્નતા = પરમાત્મા. પ્રસન્નતા જ પરમાત્મા છે. નિર્મલ મનમાં પ્રસન્નતાનો અનુભવ જ પરમાત્માનો અનુભવ છે. મારી પાસે પ્રમાણ છે. જગદગુરુ ભગવાન અાદિ શંકરાચાર્ય કહે છે, `પ્રસન્ન ચિત્તે પરમાત્મદર્શનમ્’ તમારું ચિત્ત જો પ્રસન્ન છે, તો તમે પરમાત્માનું દર્શન કરી રહ્યા છો. કંઈક ગાઓ, એકલા બેસો, કોઈને યાદ કરો, કથા સાંભળો, જે કરો તે, પણ એમ કરતાં કરતાં હૃદય વધુ ને વધુ પવિત્ર અને પ્રસન્ન થવા લાગે તો સમજવું કે ઠાકુર સ્પર્શી રહ્યા છે. બહુ જ દુર્લભ ચીજ છે પ્રસન્નતા. કેટલાક લોકોની પાસે તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં પણ એ પ્રસન્ન નથી રહી શકતા! તો પરમાત્માના અનુભવ વિશે મારું તાત્પર્ય છે, પ્રસન્નતા. હું કથામાં પણ કહું છું કે પ્રસન્ન અને પ્રશાંત ચિત્તે કથા સાંભળો. તુલસી શ્રવણ કરવાની કેટલીક વિદ્યા બતાવે છે. `શ્રોતા સુમતિ.’ સદ્બુદ્ધિથી સાંભળો. સુશીલ, શીલવાન બનીને સાંભળો. શુચિ, પવિત્રતાથી સાંભળો. કથારસિક, કથામાં રસ હોવો જોઈએ. જેમાં આપણને રસ હોય એમાં આપણે સમય આપીએ તો રસવૃદ્ધિ થાય છે.