ત્રિભિ: ગુણમયૈ: ભાવૈ: એભિ: સર્વમ ઇદમ જગત II
મોહિતમ ન અભિજાનાતિ મામ એભ્ય: પરમ અવ્યયમ II 7/13 II
અર્થ : આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે, માટે તેઓથી પર મને અવિનાશીને તત્ત્વથી કોઇ જાણતું નથી.
સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણે ગુણો માત્ર અને માત્ર મનુષ્ય જીવન સાથે જ સંકળાયેલા છે. એમને પશુ, પંખી કે અન્ય કોઇ યોનિ સાથે કશી લેવાદેવા નથી. જગતના બધા જ લોકો આ બધા જ ગુણોથી અથવા તો કોઇ એક કે બે ગુણોથી મિશ્રિત જીવન જ જીવે છે.
કોઇ પણ મનુષ્ય આ ગુણથી રહિત હોઇ શકતો નથી. તમે જગતના કોઇ પણ દેશ કે રાજ્યમાં જશો, જ્યાં પણ માનવજીવન હશે ત્યાંના મનુષ્યોમાં આ ગુણ તમને જોવા મળશે જ. ભગવાન કહે છે કે તમે બધા ભલે આ ગુણોના ભાવ ધરાવો છો, પણ હું તો આ ગુણોથી અલિપ્ત છું. મને આ ગુણ કંઇ અસર કરી શકતા નથી. તે કહે છે હું આ ગુણથી પર છું એટલે કે આ ગુણ ભગવાનને તેમની મોહ-માયામાં લઇ જતા નથી. ભગવાન અવિનાશી છે. તેમનો કદાપિ નાશ થતો નથી. જેને આ ગુણની અસર થાય તે અવિનાશી રહી શકે નહિ, કારણ કે આ ગુણ દ્વારા જ જગતમાં નવા નવા પ્રશ્નો, સમસ્યાઓ અને તેનાં સારાં કે નરસાં પરિણામો જોવા મળે છે. માણસોએ તેમનામાં ઊંચનીચ અને જાતિઓના જે ભેદનું જે નિર્માણ કરેલ છે તે પણ કદાચિત આ ગુણોને જ આભારી છે.
આ ગરીબ આ ધનવાન, આ યોગી, પેલો ભોગી, આ રાજા અને આ ગુલામ, આ શેઠ અને આ નોકર. આવી બધી જે સમાજવ્યવસ્થા આપણે આજે જોઇએ છીએ તેના માટે કારણભૂત છે આ ત્રણેય ગુણ. આપણે એ સમજવાનું છે કે જેમ ભગવાન આ ગુણથી પર રહી શકે છે તે રીતે આપણે પણ ખાસ કરીને રજોગુણ અને તમોગુણથી તો બને એટલા દૂર જ રહેવું જોઇએ. જો તમારે મોક્ષ જોઇતો હોય તો આ ગુણોથી દૂર જ રહેજો.
દૈવી હ્યેષાગુણમયી મમ માયા દુરત્યયા II
મામેવ એ પ્રપદ્યંતે માયામેતાંતરન્તિ તે II 7/14 II
અર્થ : કેમ કે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે. જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયારૂપી નદીને તરી જાય છે.
સાત્ત્વિક, રાજસી અને તામસી એવા ત્રણ ગુણવાળી આ જગતની માયા જબરી અટપટી છે. તે મનુષ્યને તહસનહસ કરી શકે છે. તેની પાછળ જવા માટે ડગલે ને પગલે મોહનાં કારણો રહેલાં છે. આજે તો રૂપ અને રંગની બોલબાલા છે. સત્તા અને સુંદરી તેમજ સંપત્તિની પાસે કશી વફાદારીની અપેક્ષા રાખવાની હોતી નથી છતાં લોકો જાણે કે તેની પાછળ આંધળી દોટ મૂકીને પડ્યા હોય તેવું લાગે છે. સાત્ત્વિકતા કે ભક્તિ તરફ તો જોવાની ફુરસદ નથી. જગતની માયા આગળ ભલભલા મહાપુરુષો, સંતો, યોગીઓ અને શૂરવીરો પણ કેવાક ફસાયા છે અને પડી ભાંગેલા છે તેના દાખલાઓથી ઇતિહાસ ભરેલો પડ્યો છે. તે છતાં આજના લોકો આ બધું જાણીને પણ તે તરફ એટલે કે માયાના વળગણ તરફ જઇ જ રહ્યા છે. જોકે, ભગવાને આ શ્લોકમાં આ દુષ્કર માયાથી બચવાનો ઉપાય બતાવ્યો છે તે ઉપાય છે ભગવાનનું શરણું લેવું. જે મનુષ્ય ઇશ્વરને શરણે જાય છે, પોતાના અહં, ઘમંડ બધું જ ભૂલી જઇને ભગવાનનો સાચો ભક્ત બની જાય છે, તે ભગવાનની કૃપાથી પેલી માયારૂપી નદીને પાર કરી દે છે. માયાનગરીથી બચવું મુશ્કેલ છે, અઘરું છે, પણ અશક્ય નથી. જો આપણે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારી લઇશું તો સંસારની માયાનગરીને આપણે જરૂરથી તરી શકીશું.