બહુનાં જન્મનામ અન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે II
વાસુદેવ: સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ II 7/19 II
અર્થ : અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે, તે મને વાસુદેવને સર્વ કારણોનાં કારણ જાણી મારે શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે.
આ શ્લોકમાં ઘણી બધી ગહન વાતો કહેવાઇ છે : અનેક જન્મો પછી જેને ખરેખરું જ્ઞાન થાય છે તે.ઇશ્વર જ સર્વ કારણો માટેનું કારણ છે તેવું સમજી જાય છે.એવું સમજ્યા પછી તે ઇશ્વરને શરણે આવી જ જાય છે, કેમ કે વૃક્ષનાં ડાળ, પાંદડાંને પકડવા કરતાં મૂળને પકડવું જ ઇષ્ટ છે.
આવી રીતે જે ઇશ્વરને શરણે આવે છે તેને ઇશ્વર મહાત્માની કક્ષામાં મૂકે છે અને આવા મહાત્માઓ હંમેશાં દુર્લભ જ હોય છે. તે કંઇ સરળતાથી પ્રાપ્ત થઇ શકતા નથી.
આ એક જ શ્લોકમાં ભગવાને કેટલું બધું ચિંતન કરાવ્યું છે! ઉપરના દરેક વાક્ય માટે જેટલું મંથન કરીએ અને લખીએ તેટલું ઓછું પડે. ટૂંકમાં કહું તો મહામૂલ્યવાન મનુષ્યાવતારમાં આપણે ઇશ્વરને જ સમગ્ર જગતનો કર્તાહર્તા તરીકે સ્વીકારીને તેના શરણે જઇશું તો આપણી ગણના દુર્લભ એવા મહાત્માઓમાં થશે અને ઇશ્વરના શરણે જવાથી આપણો કાયમને માટે મોક્ષ થઇ જાય તેનાથી બીજું વધારે રૂડું શું હોઇ શકે? આત્માનો મોક્ષ જોઇતો હોય તો તેના માટે પ્રભુના શરણે જવા સિવાય બીજો કોઇ માર્ગ છે જ નહિ. દરેકમાં ઇશ્વરને વાસુદેવને જોવા અથવા દરેકમાં તેમની હાજરી છે તેવું જ્ઞાન થાય તો તે માનવી પરિપક્વ થયો છે એમ કહી શકાય. આછકલી અને અધકચરી અવસ્થામાં આવું જ્ઞાન થતું નથી. જડ કે ચેતનમાં જો તમને ઇશ્વરની ઝાંખી થવા લાગે તો પછી સમગ્ર જગત તમને ગમવા લાગશે.
કામૈસ્તૈસ્તૈહ્રમ તજ્ઞાના પ્રપધન્યતે ન્યદેવતા:I
તં તં નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતા: સ્વયા II20II
અર્થ : વિવિધ ઇચ્છાઓથી જેમનું જ્ઞાન નષ્ટ થયેલું છે, તેઓ પોતાના સ્વભાવને વશ થઇ જુદાં જુદાં વ્રત, નિયમો પાળીને બીજા દેવતાઓને શરણે જાય છે.
માણસ ઇચ્છાઓનું પોટલું છે. દરેક માનવીને જાતજાતની ઇચ્છાઓ હોય છે. હવે જે વ્યક્તિના હૃદયમાં જ્ઞાનનો સંચાર થયેલ નથી અથવા થોડા સમય માટે થયો હોય, પણ પછીથી એ નષ્ટ થયેલ હોય તો તે વ્યક્તિ પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા જાતજાતનાં વ્રત અને નિયમો પાળવાનું શરૂ કરે છે. આ દરેક વ્રત કે નિયમ માટેનાં દેવી-દેવતા પણ અલગ અલગ હોય છે. જોકે, વ્યક્તિ પોતાની જુદી જુદી ઇચ્છાઓની પૂર્તિ માટે જુદાં જુદાં દેવી-દેવતાઓની આરાધના કરે તો એમાં કંઇ ખોટું નથી. આ પૂજા કે આરાધના તેની ઇચ્છાપૂર્તિ માટે સીમિત હોય છે. જેમ કે, આપણે કોઇ દેવની બાધા રાખીએ અને તે પૂર્ણ થતાં તે દેવની પૂજા કરી લઇએ તેવું. ખરેખર તો વ્યક્તિએ બધાં દેવી-દેવતાઓના ઇષ્ટ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ પૂજા અને આરાધના કરવી જોઇએ. તેમ કરવાથી કર્મ અનુસાર ફળ તો મળશે જ, પણ સાથે સાથે પ્રભુ સાથેનું તેના આત્માનું જોડાણ વધતું જશે, જે તેના આત્માના કલ્યાણ માટે ખૂબ જ આવશ્યક છે.