સ્પર્શાન્કૃત્વા બહીર્બાહ્યાંશ્વક્ષુશ્વૈવાન્તરે ભ્રુવો: II
પ્રાણપાનૌ સમૌ કૃત્વા નાસભ્યન્તરચારિણૌ II 5/27 II
યતેન્દ્રીય મનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણ : II
વિગતેચ્છાભયક્રોધો યાઆ; સદા મુક્ત એવ: સ: II 5/28 II
અર્થ : બહારના વિષયને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દૃષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાન વાયુને સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યાં છે તથા જેનાં ઇચ્છા, ભય અને ક્રોધ દૂર થયાં છે એવા મુનિ મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.
ભૌતિક સુખ, કામના, વાસના, મોહ, લાલચ આ બધા વિષયો બહારના વિષયો કહી શકાય. આ બે શ્લોકમાં ભગવાને ધ્યાન કઈ રીતે કરવું અને યોગ કઈ રીતે કરવો તે બાબતે માર્ગદર્શન આપેલું છે. ધ્યાન કરતી વખતે મનુષ્યએ મનની આંખો બંધ કરવાની અને દૃષ્ટિને ભ્રમરની મધ્યમાં એટલે કે બે આંખોની વચ્ચે નાસિકાનો ઉપરનો ભાગ છે ત્યાં સ્થિર કરવી, સાથેસાથે નાકમાં આવતાં અને જતાં વાયુને પણ સ્થિર કરવો. તેની ગતિને નિયંત્રિત કરવી. આમ કરવાથી ઈશ્વરનું ધ્યાન થઇ શકે છે અને તે કરવાને કારણે વ્યક્તિ પોતાની ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કરી શકે છે. જે વ્યક્તિ જીવનમાં ધ્યાનના આવા તબક્કામાં પહોંચી જાય છે તે વ્યક્તિની તમામ ઇચ્છાઓ, તમામ પ્રકારના ભય અને ક્રોધ હંમેશ માટે સમાપ્ત થઇ જાય છે. આવા લોકો સમાજમાં યોગી, તપસ્વી કે મહાન સમર્થ મુનિ તરીકે સ્થાન પામે છે. ભગવાન કહે છે કે આવા મુનિઓ માટે મોક્ષ સહજ બની જાય છે અને તે સદાને માટે કર્મના બંધનમાંથી પણ મુક્ત થઇ જાય છે.
આમ, આ બંને શ્લોકમાં ભગવાન ધ્યાન અથવા તો યોગની પ્રક્રિયા કઈ રીતે કરવી અને તેના દ્વારા મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને કઈ રીતે અંકુશમાં લેવાં તે સમજાવ્યું છે.
ભોક્તારંયજ્ઞ તપસાંસર્વલોકમહેશ્વરં II
સુહ્રદં સર્વભૂતાનાંજ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ II 5/29 II
અર્થ : સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા, સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું. એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.
ભગવાન કહે છે કે તમે જે કોઈ યજ્ઞ કરો છો તેમાં જે આહુતિ આપો છો, અર્ધ્ય આપો છો તે બધા મને મળે છે, તમે જે તપ કરો છો તે તમારું તપ મને જ અર્પણ થાય છે. અન્યનું કલ્યાણ કરશો તો એ પણ તમારું એક પ્રકારનું તપ જ છે, આવાં તમામ તપનો ભોક્તા ભગવાન પોતે છે, અર્થાત્ ભક્તિભાવ અને શ્રદ્ધાથી જે યજ્ઞ-હોમ-હવન કરો છો તે અને તમારું શારીરિક, માનસિક કે અન્યને આર્થિક મદદ કરવા માટેનું તપ કરે છે તે ઈશ્વર પોતે જ સ્વીકારે છે. ભોક્તા એટલે ભોગવનાર, આપણા તપને ઈશ્વર ભોગવે એટલે કે ભગવાન આપણા તપને ભોગ તરીકે ધારણ કરી લે છે, તેનું ઉદર, તેમની ભૂખ આપણાં તપથી પુરાઇ જાય છે. લોકોના મહેશ્વર અને સર્વ ભૂતોના પરમ મિત્ર પણ ભગવાન છે, અહીં ભગવાન એવું કહે છે કે એ સૌના મિત્ર જ છે, કોઈની સાથે એમને દુશ્મનાવટ છે જ નહીં. અંતમાં, ભગવાન એવું જ સ્પષ્ટ કરે છે જે જ્ઞાની મનુષ્ય તપને ભોગ સ્વરૂપે સ્વીકારવાની અને સૌની સાથે મિત્રતાની વાત જાણતો થઈ જાય છે. તે તેના મનમાં કાયમીપણે શાંતિને અને તે રીતે મને પ્રાપ્ત કરી શકે છે.