ન અહમ્ પ્રકાશ: સર્વસ્ય યોગમાયાસમાવૃત્ત: ।
મૂઢ: અયમ ન અભિજાનાતિ લોકો પામ અજમ અવ્યવયમ ॥
અર્થ : `પોતાની યોગમાયાથી ઢંકાયેલો હું બધાને પ્રત્યક્ષ નથી, તેથી આ અજ્ઞાની મનુષ્યો મને અજન્મા અને અવિનાશી છું એમ સંપૂર્ણ સમજતા નથી.’ જે મનુષ્યોને જ્ઞાન નથી તેવા મનુષ્યો ભગવાન અજન્મા અને અવિનાશી છે તેવું સમજી શકતા નથી.
આમ કહેવાનું કારણ એ છે કે ભગવાન તેમની યોગમાયા વડે ઢંકાયેલા છે, તેથી તેમનો દેહ અજ્ઞાની મનુષ્ય જોઇ શકતો નથી. રામ અને કૃષ્ણ એ ભગવાનના માનવ રૂપના અવતારો છે, તેથી ત્યાં આપણે તેમનો જન્મ થયો એવું માનીએ છીએ, પરંતુ ભગવાન તો આદિ અને અનાદિથી અસ્તિત્વમાં છે. એટલે તેમને જન્મ લેવાનો કે તેમનો અંત થવાનો હોતો જ નથી. ભગવાન તો પરબ્રહ્મ છે અને નિરાકાર છે, પણ આપણે તેમને સાકાર સમજીને તેમની મૂર્તિ સ્વરૂપે પૂજા કરી છીએ, કેમ કે કોઇ સ્વરૂપ વિના સંભવ છે કે વ્યક્તિને ધ્યાન ન પણ લાગે. ભગવાન આગળ એવું પણ કહે છે કે જે મારા પરમ ભક્તો છે તે મને જોઇ શકે છે અને પામી શકે છે. જ્યારે જે અજ્ઞાની છે તે પ્રભુની યોગમાયાને કારણે તેમને સાક્ષાત્ રૂપે જોઇ શકતા નથી.
વેવાહમ સમ્તીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કસ્ચન ॥
અર્થ : `હે અર્જુન, ભૂતકાળમાં વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં રહેલાં બધાં પ્રાણીઓને હું જાણું છું, પરંતુ મને કોઇ જ જાણતું નથી.’ આ શ્લોકમાં ભગવાને પોતાની ત્રિકાળજ્ઞાની હોવાની વાત કરી છે. તેઓ દરેક પ્રાણીનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જાણે છે, પણ આ પ્રાણીઓમાંથી કોઇ એમને એટલે કે પ્રભુને જાણતું કે ઓળખી શકતું નથી.
ઇચ્છાદ્વેશ સમુત્થેન દ્વન્દ્વ મોહેન ભારત ।
સર્વભૂતાનિ સંમોહમ સર્ગે યાન્તિ પરંતપ ॥
અર્થ : `હે ભરતવંશી અર્જુન, ઇચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલાં સુખ દુ:ખાદિ દ્વન્દ્વોના મોહને લીધે બધાં પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે.’ ભગવાન કહે છે કે જગતમાં જેને તમે સુખ અને દુ:ખ કહો છો તે બધાં ઇચ્છા અને એકબીજા પરત્વેના દ્વેષભાવને લીધે ઉત્પન્ન થયેલ છે. બધાં પ્રાણીઓને સુખ-દુ:ખ બંનેમાં મોહ હોવાને લીધે સદાય આ જગતમાં ભમતાં રહે છે. ઇચ્છા અને દ્વેષભાવને લીધે લાભ-ગેરલાભ અને જય-પરાજયના ભાવ પ્રાણીઓમાં જન્મે છે. માન-અપમાનના ભાવ પણ આને લીધે જ પ્રગટતા હોય છે અને આમ થવાથી તે પ્રાણી ભગવાનને ઓળખી શકતાં નથી અને સંસારની માયામાં જ પોતે ભટકતાં રહે છે.
યેષામ તુ અન્તગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ ।
તે દ્વૈદ્વ મોહિંનિર્મુક્તા: ભજન્તે મામ દ્રઢવતા: ॥
અર્થ : `પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય તે રાગ દ્વેષાદિ જોડકાંના મોહથી છૂટી દૃઢ નિશ્ચયવાળો થઇ મને ભજે છે.’
જે વ્યક્તિઓ સદાચારી છે, સતત સત્કર્મ કરતા રહે છે, સાત્ત્વિક જીવન જીવે છે, લોકકલ્યાણનાં કામો કરે છે તેઓનાં પાપ નાશ પામે છે અને આવાં પાપ નાશ પામ્યા પછી તે વ્યક્તિ રાગ અને દ્વેષના મોહમાંથી મુક્ત થાય છે અને મને જ ભજતો રહે છે. આનો સાર એ છે કે સદાચારી બનો, સાત્ત્વિક બનો, લોકકલ્યાણ કરો અને પુણ્ય કમાશો તો તમારો સંસારનો મોહ છૂટી જશે અને તમે કેવળ ભગવાનને જ પામી શકશો.