ભગવાન શિવ રામ નામામૃતનું નિત્ય પાન કરે છે, તેથી તે શિવ છે. શિવજીએ કહ્યું છે, હું રામજીની કથા કરું છું, પણ રામજી કેવા છે તે હું હજુ પણ જાણતો નથી. શિવજીનો આ વિનય છે. જે જાણે છે કે હું કાંઈ જાણતો નથી એમ સમજી જપ કરે છે તે જ કંઈક જાણે છે.
અયોધ્યામાં રઘુનાથજીના પ્રાગટ્ય સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું. ચાર બાળકો કૌશલ્યાના આંગણામાં રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થાય છે.
શ્રીરામે રમતગમતમાં પણ નાના ભાઈઓનાં દિલ દુભવ્યાં નથી. તે માનતા હતા કે મારા નાના ભાઈની જીત એ મારી જીત છે. ભાઈઓ સાથે રમે ત્યારે વિચારે, લક્ષ્મણ-ભરતની હાર થાય તો તેઓને દુ:ખ થશે એટલે પોતે હાર સ્વીકારે. ભરતની આંખમાં આંસુ આવે તે રામથી સહન નહોતું થતું.
લોકો રામાયણ વાંચે છે, પણ જીવનમાં ઉતારતા નથી. મિલકત માટે કે પૈસા માટે સગા ભાઈ ઉપર દાવો કરે છે, કોર્ટે જાય છે. મોટા ભાઈ રામ બને તો નાનો ભાઈ ભરત-લક્ષ્મણ જેવો થશે અને જગત અયોધ્યા બની જશે, તો આજે પણ રામરાજ્ય સ્થપાશે. ભરતને મળેલું રાજ્ય ભરતે છોડી દીધું હતું. મોટાભાઈ અયોધ્યામાં નથી એટલે ભરતે સામાન્ય કુટિરમાં રહી તપ કર્યું હતું. ભરતની તપશ્ચર્યાનાં મહાપુરુષોએ બહુ વખાણ કર્યાં છે.
ભરતભૂમિ કર્મભૂમિ છે. આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે. તમે બીજા માટે જેવો ભાવ રાખો છો તેવો ભાવ બીજા તમારા માટે રાખશે. અભિમાન એ મૂર્ખાઓને ત્રાસ આપતું નથી, પણ જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને અભિમાન પજવે છે. માન પાછળ અભિમાન ઊભું છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનને અમાની માનદો કહ્યા છે. ભગવાન માન આપનાર છે. ભરતજી કૈકેયીને કહે છે મા, મોટાભાઈ સમર્થ છે, પણ મને માન આપે છે. શ્રીરામે બાળલીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને કોઈનામાં ઈશ્વર દેખાતો નથી.
શ્રીરામની બાળલીલા સરળ છે. મા પાસે પણ કાંઈ માંગતા નથી. તેઓ ખૂબ જ ભોળા છે. શ્રીરામે માતાને કોઈ દિવસ પજવ્યા નથી. કનૈયાએ વિચાર કર્યો રામાવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું એટલે દુ:ખી થયો, હવે કૃષ્ણાવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું. કનૈયો માને પણ પજવે છે. મા, તું મને છોડીને જઈશ નહીં. કનૈયો તો માતાને કહે છે કે તું ઘરકામ છોડી મને રમાડ્યા કર. યશોદા (બુદ્ધિ) ઈશ્વરથી દૂર જાય તો દુ:ખી થાય, તેથી કનૈયો માતાને કહે છે, તું મને ખોળામાં રાખી રમાડ્યા કર મને છોડીને જઈશ નહીં.
રામચંદ્રજીનો અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. કૃષ્ણ અવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. શ્રીરામની લીલામાં મર્યાદા છે, કૃષ્ણલીલામાં પ્રેમ છે.
કનૈયો કહે છે કે, રામાવતારમાં બહુ મર્યાદાઓ પાળી, સરળ રહ્યો, પણ જગતે મારી કદર કરી નહીં. એક પત્નીવ્રત પાળ્યું તો પણ જગતે મારી નિંદા કરી. આ કૃષ્ણાવતારમાં મેં મર્યાદાઓ ખીંટીએ મૂકી દીધી છે. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું. જીવ મારી પાસે આવે તો દરેક જીવને અપનાવવા હું તૈયાર છું. હવે કૃષ્ણાવતારમાં દરવાજા ખુલ્લા છે. જેને આવવું હોય તે આવે.
કનૈયાને બોલવામાં કોઈ પહોંચે નહીં. એક એક ગોપીને શ્રીકૃષ્ણ બાંધે છે. ગોપી કૃષ્ણને વિનવે છે, કનૈયા, તેં મને ખરેખર બાંધી દીધી. કનૈયા, તું મને છોડ. કનૈયો તેને જવાબ આપે છે, મને મારી માએ બાંધતા જ શીખવાડ્યું છે, છોડવાનું નહીં. મને બાંધતા જ આવડે છે, છોડતા નહીં. કનૈયો જેને બાંધે એટલે કે અપનાવે તેને પછી તે છોડતો નથી. ઈશ્વર જેને બાંધે, અપનાવે તે જીવ માયામાં તણાય તો પણ ભગવાન તેને બચાવે છે, તેનું રક્ષણ કરે છે.
શ્રીકૃષ્ણની બાળલીલા જુદી છે. એક ગોપી કનૈયાને માખણ ચોરતા પકડે છે. કનૈયો કહે, મને છોડ. ગોપી કહે, હું તને બાંધીશ. કનૈયાને થાંભલા પાસે ઊભો કરી પેટ પાસેથી દોરીથી બાંધ્યો. ગોપી લાલાને પૂછે છે, તને કાંઈ ત્રાસ થાય છે? કનૈયો રડવાનો ઢોંગ કરે છે. કહે છે મને બહુ દુ:ખ થાય છે. દોરી જરા ઢીલી કરો. ગોપી વિચારે છે, લાલાને દોરીથી મક્કમ રીતે બાંધવો ઠીક નથી. મારા લાલાને દુ:ખ થાય. ગોપી સહેજ દોરી ઢીલી કરે છે. બંધન ઢીલું થતાં કનૈયો છટકી જાય છે. ગોપીને કહે છે, બે છોકરાની મા થઈ છતાં તને બાંધતા આવડ્યું નહીં.
શ્રીકૃષ્ણ ગોપીને બાંધે છે. મનથી શ્રીકૃષ્ણનો સ્પર્શ કરો તો ત્યાં હૃદય પીગળે છે, ત્યારે પ્રત્યક્ષ શ્રીઅંગનો સ્પર્શ થાય ત્યારે કેટલો આનંદ થતો હશે! ગોપીનો બ્રહ્મસંબંધ થયો. બોલવા લાગી, કનૈયા તેં મને ખરેખર બાંધી દીધી. કનૈયા, મને છોડ, કનૈયો કહે, મને છોડતા આવડતું નથી. પરમાત્મા જેને બાંધે છે તેને કોઈ દિવસ છોડતો નથી. તે જીવને મુરલીધર પોતાની પાસે જ રાખે છે. ઈશ્વર જલદી કોઈને બાંધે નહીં અને એક વાર બાંધે પછી છોડે નહીં. જીવ તો બાંધ્યા પછી પણ છોડે છે. જીવ તો સ્વાર્થથી જ સંબંધ રાખે છે અને સ્વાર્થ પૂરો થતાં સંબંધ પણ પૂરો થાય છે, પણ ઈશ્વર એક વાર બાંધ્યા પછી છોડતા નથી.
દરેક ભક્તને કહેવાનું મન થાય કે, કનૈયા હવે તારું પ્રાગટ્ય થાય ત્યારે મને ગોપી બનાવજે.
પ્રેમ માંગશો નહીં. પ્રેમ બીજાને આપજો. સર્વને પ્રેમ કરનારો સર્વેશ્વરને ગમે છે. વિકાર, વાસના, સ્વાર્થ આવે ત્યારે પ્રેમ ખંડિત થાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુ:ખી થતો નથી. કૃષ્ણલીલામાં શુદ્ધ પ્રેમ છે. શ્રીરામની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે. કૃષ્ણને તે જ સમજી શકે જે શ્રીરામની મર્યાદાનું પાલન કરે છે.