શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. જેનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે. આગળના શ્લોકમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરુષોનું વર્ણન કર્યા પછી હવે ભગવાન ગીતા(15/17)માં કહે છે કે,
ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહ્યતઃ
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય
ઇશ્વરઃ ઉત્તમ પુરુષ તો અન્ય છે જે 5રમાત્મા એવા નામથી કહેવામાં આવ્યો છે, તે જ અવિનાશી ઈશ્વર ત્રણે લોકમાં પ્રવિષ્ટ થઈને બધાનું ભરણપોષણ કરે છે. અહીં અન્ય પદ પરમાત્માને અવિનાશી અક્ષર જીવાત્માથી ભિન્ન બતાવવા માટે નહીં, પરંતુ તેનાથી વિલક્ષણ બતાવવા માટે આવ્યું છે. પ્રકૃતિ તો વિનાશશીલ છે અને તેને ભોગવવાવાળો જીવાત્મા અમૃત સ્વરૂ5 અવિનાશી છે. આ બંને ક્ષર અને અક્ષરને એક ઇશ્વર પોતાના શાસનમાં રાખે છે. 5રમાત્મા નાશવાન, ક્ષરથી અતીત અને અવિનાશી, અક્ષરથી ઉત્તમ છે. આ ઉત્તમ પુરુષને જ 5રમાત્મા કહેવામાં આવે છે. પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્માની દૃષ્ટિ કે ખેંચાણ નાશવાન ક્ષરની બાજુ જ થઇ રહ્યું છે.
પરમાત્મા શબ્દ નિર્ગુણનો વાચક માનવામાં આવે છે. જેનો અર્થ છે પરમ(શ્રેષ્ઠ) આત્મા અથવા તમામ જીવોનો આત્મા આ શ્લોકમાં પરમાત્મા અને ઇશ્વર. બંને શબ્દો આપ્યા છે. જેનું તાત્પર્ય છે કે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બધું એક પુરુષોત્તમ જ છે. આ ઉત્તમ પુરુષ નિરાકાર પરમાત્મા ત્રણે લોકમાં એટલે કે સર્વત્ર સમાનરૂપે નિત્ય વ્યાપક છે. પરમાત્મા જ તમામ પ્રાણીઓનું ભરણપોષણ કરે છે, પરંતુ જીવાત્મા સંસાર સાથે પોતાનો સંબંધ માની લેવાના કારણે ભૂલથી સાંસારિક વ્યક્તિઓ વગેરેને પોતાના માનીને તેમના ભરણપોષણનો ભાર પોતાના ઉપર લઇ લે છે. આનાથી તે વ્યર્થ જ દુઃખ પામે છે.
માતા-પિતા બાળકનું પાલનપોષણ કર્યા કરે છે, તો પણ બાળકને એ વાતનું જ્ઞાન હોતું નથી કે મારું પાલનપોષણ કોણ કરે છે? કેવી રીતે? અને શા માટે કરે છે? એવી જ રીતે ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે તો પણ અજ્ઞાની મનુષ્યને ભગવાન ઉપર દૃષ્ટિ ન રહેવાથી આ વાતનો પત્તો લાગતો નથી કે મારું પાલનપોષણ કોણ કરે છે?
આમ, એકબીજાથી પર હોવા છતાં પણ શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એક જ જાતિના જડ છે, પરંતુ પરમાત્મા તત્ત્વ એમનાથી પણ અત્યંત પર છે, કારણ કે પરમાત્મા ચેતન છે. જીવાત્મા અક્ષર પરમાત્માનો જ અંશ હોવા છતાં તેની પરમાત્મા સાથે તાત્ત્વિક એકતા છે તેમ છતાં પરમાત્મા પોતાને જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે, કારણ કે (1) પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સંબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઇ જાય છે જ્યારે પરમાત્મા પ્રકૃતિથી અતીત હોવાના કારણે મોહિત થતા નથી. (2) પરમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને સગુણ સાકારરૂપે આવતાર ધારણ કરે છે, જીવાત્મા પ્રકૃતિને વશ થઇને લોકમાં આવે છે. (3) પરમાત્મા હંમેશાં નિર્લિપ્ત રહે છે જ્યારે જીવાત્માને નિર્લિપ્ત થવા માટે સાધન કરવું પડે છે. પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત હોવા છતાં સંપૂર્ણ દૃશ્યમાન જગતથી ન્યારા છે. તમામ દૃશ્યમાન સૃષ્ટિ માયા છે જે પરિવર્તનશીલ છે, સમાપ્ત ન થનાર છે. આ પાંચ ભૌતિક સૃષ્ટિના સમાપ્ત થતાં પણ જેનો નાશ થતો નથી તે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે.