હિમાચલ પ્રદેશમાં એવાં ઘણાં મંદિરો છે જે ભારતભરમાં પ્રસિદ્ધ છે. જેમાં ખાસ કરીને નૈના દેવી મંદિર, જ્વાલાજી મંદિર ઉપરાંત હિડિમ્બા મંદિર વધુ લોકપ્રિય છે. અહીં શ્રદ્ધાળુઓ વાર-તહેવારે તેમના દર્શનાર્થે આવે છે. આ સિવાય અન્ય એક મંદિર છે જેનું નામ ચિંતપૂર્ણી ધામ છે, અહીં માતાના ભક્તો માતાના આશીર્વાદ લેવા સંપૂર્ણપણે ભક્તિભાવથી જાય છે. ભક્તો અહીં માતાનાં ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે.
ભારતભરમાં હિમાચલ પ્રદેશને દેવી-દેવતાઓની ભૂમિ તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. અહીં નાનાંમોટાં અનેક મંદિર છે જ્યાં ભક્તો ભક્તિભાવથી તેમના દર્શનાર્થે જતા હોય છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ઊના જિલ્લામાં આવેલા ચિંતપૂર્ણી ધામનું અનેરું માહાત્મ્ય છે. આ સ્થળ હિંદુઓનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક ગણવામાં આવે છે. મૂળ ચિંતપૂર્ણી મંદિર શક્તિપીઠ મંદિરોમાંથી એક છે. ચિંતપૂર્ણી શક્તિપીઠનાં દર્શન કરવાથી ભક્તો આધ્યાત્મિક આનંદની અનુભૂતિ મેળવે છે.
ચિંતપૂર્ણીનો અર્થ
ચિંતપૂર્ણીનો અર્થ થાય છે ચિંતાને દૂર કરનારી દેવી. જેને છિન્ન મસ્તિકા પણ કહેવામાં આવે છે. તો બીજી બાજુ છિન્ન મસ્તિકાનો અર્થ એ પણ થાય છે કે, એક એવી દેવી છે જે મસ્તક વગરની છે. ધાર્મિક માન્યતા અનુસાર સતી માતાના અહીં પગ પડ્યા હતા.
ચિંતપૂર્ણી ધામનો ઇતિહાસ
પ્રાચીન કથાઓ અને ધાર્મિક શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે 14મી શતાબ્દીમાં માઇદાસ નામનો એક દુર્ગા માતાનો સાચો ભક્ત હતો. જેણે આ પવિત્ર સ્થળની શોધ કરી હતી. માઇદાસનો જન્મ અઠૂર ગામમાં પટિયાલા રજવાડાંમાં થયો હતો. માઇદાસના બે મોટા ભાઈ હતા જેમનાં નામ દુર્ગાદાસ અને દેવીદાસ હતાં. માઇદાસ મોટાભાગનો સમય પૂજા-પાઠ અને દુર્ગાભક્તિમાં જ વિતાવતા હતા તેથી તે પરિવારનાં કામોમાં સમય આપી શકતા ન હતા. જેથી તેમના બંને મોટા ભાઈઓએ તેમને પરિવારથી અલગ કરી નાખ્યા હતા. જોકે, તેમ છતાં પણ માઈદાસે દુર્ગાભક્તિમાં અને પૂજા-પાઠમાં કોઇ પણ પ્રકારની કમી ન રાખી અને અવિરત પૂજાકાર્યોમાં લીન રહેવા લાગ્યા. હવે જ્યારે તેઓ એક સમયે પોતાની સાસરીમાં જતા હતા ત્યારે એક મોટા વડલા નીચે આરામ કરવા બેઠા હતા. કહેવાય છે કે આ જ વડલા નીચે માતા દુર્ગા ભગવતીનું મંદિર છે! માઈદાસ જ્યારે તે વૃક્ષ નીચે આરામ કરતા હતા ત્યારે તે ખૂબ જ ગાઢ જંગલ હતું. તેમના સમયે તે જગ્યાનું નામ છપરોહ હતું, જ્યારે આજે તે છપરોહ ચિંતપૂર્ણી તરીકે ઓળખાય છે.
માઈદાસ જ્યારે આ વૃક્ષ નીચે ગાઢ નિદ્રામાં આવ્યા હતા ત્યારે તેમના સપનામાં એક તેજસ્વી દેવી આવ્યાં હતાં. આ દેવીએ તેમને કહ્યું કે, તમે આ વૃક્ષ નીચે પીંડ બનાવીને પૂજા કરશો તો તમારાં સઘળાં દૂઃખ દૂર થશે. જોકે, માઈદાસને કંઇ સમજણ ન પડતા તેઓ તેમની સાસરી જતા રહ્યા. સાસરીથી પરત ફરતા ફરીથી એ જ વૃક્ષ પાસે તેમના પગ એકાએક રોકાઇ ગયા અને આગળ કંઇ જ દેખાયું નહીં. છેવટે તેઓ તે વૃક્ષ નીચે જ પલાંઠી વાળી બેસી ગયા અને ભક્તિમાં ડૂબી ગયા. તેમણે મનોમન માતાની સ્તુતિ કરી અને પ્રાર્થના પણ કરી કે, હે મા! મેં જો સાચા મનથી તમારી પૂજા-અર્ચના કરી હોય તો મને દર્શન આપો. પોતાના ભક્તની ભક્તિ જોઇને દુર્ગા માતાએ સિંહ પર આરૂઢ થઇને માઈ દાસને દર્શન દીધાં. માતાએ તેમને દર્શન આપ્યાં બાદ કહ્યું કે હું અહીં ચિરકાળથી વિરાજમાન છું. લોકો મને અન્ય આક્રમણો અને અત્યાચારોને કારણે ભૂલી ગયા છે. તમે મારા પરમ ભક્ત છો, તેથી અહીં જ રોકાઇને મારી આરાધના કરો. અહીં હું તમારા વંશની રક્ષા કરીશ.
માઈદાસ માતાની આ વાત સાંભળીને ધન્ય થઇ ગયો, પરંતુ તેને ચિંતા સતાવતા માતાને કહ્યું કે માતા, હું તમારી આરાધના, ભક્તિ તો કરું, પરંતુ અહીં ન તો પીવા માટે પાણી છે ન તો રહેવા માટે કોઈ સ્થળ! હું કેવી રીતે અહીં ભક્તિ કરી શકું? આ સાંભળી માતાએ માઈદાસને કહ્યું કે હું તમને નિર્ભય દાન આપું છું. તમે કોઈ પણ સ્થાને જઇને કોઇ શીલાને ઉપાડો ત્યાંથી જળ નીકળી આવશે. તમે તે જ જળથી મારી પૂજા-અર્ચના કરજો. આજે એ જ વૃક્ષની નીચે માતા ચિંતપૂર્ણીનું ભવ્ય મંદિર છે અને મંદિરમાં એક શીલા પણ રાખવામાં આવી છે જે શીલા ઉપાડીને ત્યાંથી પાણી નીકળ્યું હતું. અલબત્ત, જે સ્થળેથી માઈદાસ શીલા ઉપાડી લાવ્યા હતા તે સ્થળે મોટું તળાવ છે અને તે જ તળાવથી માતાનો જળાભિષેક કરવામાં આવે છે.
માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ
ધાર્મિક પુરાણોમાં આ મંદિર વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં માર્કંડેય પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સતી ચંડીએ તમામ દુષ્ટ આત્માઓ પર વિજય મેળવી લીધો હતો, આ દરમિયાન તેમના બે શિષ્યો અજય અને વિજય તેમના રક્તથી પોતાની તરસ છિપાવવા પ્રાર્થના કરતા હતા. અજય-વિજયની સ્થાપના સાંભળીને માતા સતી ચંડીએ પોતાનું મસ્તક અલગ કરી દીધું હતું તેથી તેમનું નામ છિન્ન મસ્તિકા પડ્યું હતું એવી માન્યતા છે.
સતી માતાનો મેળો
અહીં વર્ષમાં બેથી ત્રણ વાર મેળો ભરાય છે. જેમાં નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસમાં અહીં મોટો મેળો ભરાય છે. જેમાં ભક્તો માતાનાં દર્શનાર્થે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. અહીંના મેળામાં આજુબાજુનાં રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આવે છે.
મંદિર રચના
મંદિરમાં પ્રવેશ કરતા જ સામે એક શીલા જોવા મળે છે, જે માઈદાસ દ્વારા ઉપાડવામાં આવી હતી. તેમજ મધ્યમાં માતા ગોળ આકારે માતા સતીનો એક પીંડ છે જેનાં દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે. મંદિરમાં ભૈરવનાથજી અને ભગવાન ગણેશજીનાં પણ દર્શન થાય છે. જ્યારે મંદિરના મુખ્ય દ્વારને સોના વડે શણગારવામાં આવ્યાં છે. અહીં ભક્તો માતાને ભોગ માટે સોજીનો હલવો, લાડવા, બરફી, પતાસાં અને નારિયેળ ચઢાવે છે. જે ભક્તોની માનતા પૂરી થાય છે તે ભક્તો માતા માટે લાલ ચુંદડી અને ધજા ચઢાવે છે. અહીં માતાનાં દર્શન કરવા આવતાં પહેલાં માથે કપડું ઓઢવું ફરજિયાત છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે વિમાનમાર્ગે જવા માંગતા હોવ તો તમને નજીક ગગ્ગલ એરપોર્ટ પડે છે. અહીંથી મંદિર અંદાજિત 50થી 60 કિમી.ના અંતરે આવે છે. અન્ય એરપોર્ટ અમૃતસર અને ચંદીગઢમાં પડે છે. જ્યાંથી મંદિર અંદાજે 150થી 160 કિમી. દૂર છે. ટ્રેન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન ચિંતપૂર્ણી માર્ગ (સ્ટેશન કોડ સીએચએમજી) છે, અહીંથી મંદિર માત્ર 15થી 17 કિમી. છે. ત્યારબાદ અહીંથી પ્રાઇવેટ વાહનો દ્વારા અહીં આવી શકો છો. જ્યારે સડકમાર્ગે અહીં આવવું હોય તો દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ રાજ્ય પરિવહન વિભાગની ઘણી બસો સેવામાં ઉપલબ્ધ છે. આ સિવાય અન્ય રાજ્ય રાજસ્થાન, કાશ્મીર, ઉત્તરાખંડની બસો પણ ઉપલબ્ધ છે.