- ખાનગી માલિકીની મિલકતના સરવેમાં પણ ભૂલો હોવાનો સરપંચનો આક્ષેપ
- શાળા, નદીનો બ્રિજ જેવી સરકારી મિલકતો ખાનગી માલિકના નામે જોવા મળી
- ઘોઘંબામાં મિલકત સરવેની થયેલી કામગીરીમાં સરકારી શાળા મિલકતો ખાનગી માલિકના નામે જોવા મળી હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં પાયલોટ પ્રોજેકટ હેઠળ કરવામાં આવેલી સરકાર દ્વારા મિલકત સરવે કામગીરીમાં ભારે અને ગંભીર છબરડા સામે આવ્યા છે.
ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા, કરાડ નદીનો બ્રિજ જેવી સરકારી મિલકતોમાં સીટી સરવેમાંથી મેળવવામાં આવેલા દફ્તર મુજબ ખાનગી માલિકના નામે હાલ જોવા મળી રહી છે. આ ગંભીર ભૂલના સુધારા માટે છેલ્લા દોઢ વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી.
ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરવે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમાં જણાવ્યા અનુસાર સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કચેરી દ્વારા નક્કી કરાયેલી એજન્સીએ બારોબાર કોઈ પણ જાતનો સ્થળ ઉપર પંચો રૂબરૂ સર્વે કરવાને બદલે કાગળ ઉપર ખોટો સર્વે કરી તેના આધારે હાલ ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી મિલ્કતના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ઘોઘંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક મકાનો ગેરકાયદે દબાણ કરીને બનાવ્યા છે અને ઘણા મકાનો જે તે સમયે ભાડા પટે આપેલી જમીન ઉપર બનેલી છે. જેની ગ્રામ પંચાયત દ્વારા ફ્ક્ત મકાનની આકારણી કરવામાં આવી છે, પરંતુ જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે એવા અનેક મકાનો ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા છે જેથી જો આવા મકાનોનું મિલ્કત કાર્ડ બને અને તેમાં માલિકી હકની સ્પષ્ટતા ન કરવામાં આવેતો ભવિષ્યમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીન બાબતે માલિકી માટેની તકરાર થઈ શકે છે. મિલકત સબંધી મહત્વની કામગીરીમાં આટલી ગંભીર બેદરકારી દાખવવા બદલ જવાબદાર તમામ સામે કાર્યવાહી કરી નવેસરથી નિયમ મુજબ પંચો રૂબરૂ સાચો સર્વે કરવામાં આવે અને ત્યાં સુધી અગાઉ કરેલ ખોટા સર્વેના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
એજન્સીએ ભૂલ કરી છે જેને એજન્સી જ સુધારે તે જરૂરી
ઘોઘંબામાં ગ્રામજનોમાં આંતરિક ઝઘડાનું સ્વરૂપ ઉભું કરે એમ છે. જોકે હાલસુધારા માટે અમે રજુઆત કરી છે પરંતુ સંલગ્ન વિભાગને કોઈ રસ ના હોય એમ લાગી રહ્યું છે. સરકારી મિલકત હાલ ખાનગી માલિકીના નામે જોવા મળે છે ત્યારે આ ગંભીર ભૂલ સુધારવા માટે અમે રજુઆત કરી છે એમ ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશ વરીયાએ જણાવ્યું હતું.


