ગોધરામાં 19 સપ્ટેમ્બર, 2025ના રોજ બનેલી ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પરના હુમલાની ઘટનામાં પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે 6 આરોપીઓને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખીને આ કૃત્યને અચાનક આવેશમાં નહિ, પરંતુ પૂર્વયોજિત કાવતરું ગણાવ્યું હતું. સમગ્ર ઘટનાની શરૂઆત આરોપી ઝાકીર અહેમદ ઝભાને પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ થઈ હતી, જેણે પોલીસ માર મારે છે તેવો ખોટો વીડિયો વાયરલ કર્યો હતો.
ખોટા વીડિયોનું પરિણામ
તમને જણાવી દઈએ કે, 300થી 400 લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પર ધસી આવ્યું હતું, જેમણે પથ્થરમારો કર્યો, સરકારી રેકોર્ડ સળગાવ્યા અને વાહનો તેમજ સીસીટીવીમાં તોડફોડ કરી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સી.કે. ચૌહાણે ચુકાદામાં ખાસ નોંધ્યું હતું કે, આરોપી જાબીર તૈયબ રશીદભાઈ (મ્યુનિસિપલ કાઉન્સિલર) જેવા ચૂંટાયેલા જનપ્રતિનિધિએ શાંતિ જાળવવાને બદલે ટોળાને ઉશ્કેરવાનું કૃત્ય કર્યું, જે કાયદાના શાસન અને દેશની અખંડિતતાને સીધો પડકાર છે. ગુનાની ગંભીરતાને જોતા કોર્ટે તમામ 6 આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.


