મને લાગે છે કે એકબીજાને સમજવા માટે આપણે શબ્દોની જાળમાં ફસાઈ જવું ન જઈએ, કારણ કે દાખલા તરીકે, ઈશ્વર જેવા શબ્દનો કદાચ તમારા માટે કોઈ ખાસ અર્થ થતો હોય તેમ બને જ્યારે મારા માટે તે તદ્દન જુદો જ અર્થ દર્શાવતો હોય કે કોઈ અર્થ ન દર્શાવતો હોય તેમ પણ બને. તો, જો આપણે બંને સમજવાનો ઈરાદો રાખતા હોઈએ અને શબ્દોની પેલે પાર જઈને કહેવાનું તાત્પર્ય ન સમજીએ તો વિચાર વિનિમયની આપ-લે લગભગ અસંભવ થઈ જાય છે. મુક્તિ શબ્દ સામાન્યપણે કોઈક વસ્તુથી મુક્ત થવું એવું સૂચવે છે, શું તે એવું નથી સૂચવતો? સામાન્યપણે તેનો અર્થ લોભથી, ઈર્ષ્યાથી, રાષ્ટ્રવાદથી, ગુસ્સાથી, આ કે તેનાથી મુક્ત થવું તેવો સમજવામાં આવે છે. જ્યારે મુક્તિ શબ્દનો અર્થ તદ્દન જુદો જ હોઈ શકે જેમાં તે મુક્ત કે સ્વતંત્ર હોવાનો ભાવ દર્શાવે છે અને મને લાગે છે કે આ અર્થ સમજવો બહુ મહત્ત્વની બાબત છે.
આખરે તો મન બીજી બધી બાબતો સાથે શબ્દોથી રચાયેલું છે. હવે શું મન `ઈર્ષ્યા’ શબ્દથી મુક્ત થઈ શકે? આ અજમાવી જુઓ તો તમને જણાશે કે ઈશ્વર, સત્ય, ઘૃણા, ઈર્ષ્યા જેવા શબ્દોની મન ઉપર ઊંડી અસર છે અને શું મન બંને રીતે, શરીર અને માનસિક રીતે, આ શબ્દોથી મુક્ત થઈ શકે છે. જો તે એ શબ્દોથી મુક્ત નહીં થાય તો તે ઈર્ષ્યાની હકીકતથી મુક્ત થવા સમર્થ નથી રહેતું. જ્યારે મન `ઈર્ષ્યા’ની હકીકતને સીધેસીધી ન જોઈ શકે ત્યારે તે એ હકીકત વિશે કાંઈક કરવાનો મન પ્રયત્ન કરે તે પહેલાં જ એ હકીકત જાતે જ એકદમ ઝડપથી સક્રિય બની જાય છે. જ્યાં સુધી મન ઈર્ષ્યાથી છુટકારો મેળવવા માટે આદર્શોને ધ્યાનમાં લેશે ત્યાં સુધી તે સાચી દિશામાં આગળ નહીં વધી શકે અને દિશાવિહીન રહેશે. અને ત્યાં સુધી તે હકીકતનો સામનો નથી કરતું; આ શબ્દ `ઈર્ષ્યા’ હકીકતથી અવળી દિશામાં લઈ જતો શબ્દ બની રહે છે. ઓળખની પ્રક્રિયા એ શબ્દ દ્વારા થાય છે અને જે ક્ષણે હું એ શબ્દ દ્વારા એ લાગણીને ઓળખી લઈ કે જાણી લઉં ત્યારે હું તે લાગણીને સાતત્ય આપું છું.
સ્મૃતિ સમજણને ઢાંકી દે છે
આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં તમે મારી સાથે આગળ વધો છો, તમે ખરેખર એવું અનુભવો છો? કે પછી તમે કેવળ અનુમાન કરો છો? ધાર્મિક મન કેવું હોય તેની તમને ખબર નથી, શું તમને તેની ખબર છે? તમે જે કહ્યું તેના પરથી એવું લાગે છે કે તેનો અર્થ તમે જાણતા નથી; તમને કદાચ તેનો અણસાર મળ્યો હોય કે તેની ઝલક જોવા મળી હોય તેમ બને, જે રીતે તમે સ્વચ્છ, સુંદર ભૂરું વાદળાં વગરનું આકાશ જુઓ છો તેમ, પરંતુ જે ક્ષણે તમે ભૂરા આકાશને જોઈને, સમજીને ગ્રહણ કરી લો છો તે સમયે તમારા મનમાં તેની સ્મૃતિ અંકિત થઈ જાય છે, તમે તે વધારે જોવા મળે તેમ ઇચ્છો છો અને તેથી તમે તેમાં અટવાઈ જાઓ છો. તેને સ્મૃતિમાં રાખવા માટે તમે જેટલા વધારે શબ્દોનો ઉપયોગ કરો એટલા તમે તેમાં વધારે અટવાયેલા રહો છો.