– વૈશ્વિક ગોલ્ડ ૧૮૫૦ ડોલરની અંદર
– ક્રૂડતેલના ભાવ તૂટયા: ડોલર ફરી ઉછળ્યો
Updated: Oct 1st, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારો ગબડતા જોવા મળ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૭૦થી ૧૮૭૧ વાળા તૂટી ૧૮૫૦ની અંદર ઉતરી ૧૮૪૬ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૧૮૪૮થી ૧૮૪૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં ડોલર તથા બોન્ડ યીલ્ડ ફરી વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૧૧થી ૨૩.૧૨ વાળા તૂટી નીચામાં ભાવ ૨૨.૧૧થી ૨૨.૧૨ થઈ છેલ્લે ભાવ ૨૨.૧૭થી ૨૨.૧૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૩૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૫૯૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૯૭૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૨૫૦૦ વાળા રૂ.૭૧૫૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૪૮૮ વાળા રૂ.૫૭૧૭૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૭૭૧૯ વાળા રૂ.૫૭૪૨૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૬૦૩ વાળા ગબડી રૂ.૬૯૫૦૦ બોલાતા થયા હતા.
વિશ્વબજારમાં યુએસ ક્રૂડતેલના ભાવ બેરલના ૯૨.૮૬ વાળા નીચામાં ૯૦.૩૫ થઈ છેલ્લે ભાવ ૯૦.૭૯ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૯૨.૨૦ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૦૪ વાળા વધી રૂ.૮૩.૨૪ બોલાતા થયા હતા.
દેશમાં આયાત થતા સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના સમાચાર હતા તથા તેના પગલે સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૬૧૨ વાળી ૬૦૩ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૭૪૦ વાળી ૭૩૭ ડોલર કરવામાં આવી હતીં.