રાજકોટમાં ઇન્ડિયન બેંકની એક શાખામાંથી ગોલ્ડ લોન પેટે ગ્રાહકો દ્વારા મૂકવામાં આવેલું અંદાજે 1 કિલો જેટલું સોનું ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતાં બેંકિંગ સેક્ટરમાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર મામલો ગત માર્ચ મહિનામાં બેંકના વાર્ષિક ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. ઓડિટ કરી રહેલા અધિકારીઓને લોકરમાંથી સોનું ગુમ થયાની જાણ થઈ હતી, જેના પગલે બેંકના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
બેંકિંગ જગતમાં ખળભળાટ
લાંબા સમય સુધી આંતરિક તપાસ કરવા છતાં સોનાની ચોરી કરનાર કે ચોરીનું રહસ્ય ઉકેલવામાં બેંક સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હતા. આખરે મામલો પોલીસને સોંપાયો હતો. પોલીસ તપાસમાં પણ ચોર અંગે કોઈ નક્કર કડી ન મળતા હવે પ્રદ્યુમનનગર પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક તબક્કે પોલીસને આ ઘટનામાં બેંકના આંતરિક કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા છે. આ શંકાના આધારે હવે બેંકના શંકાસ્પદ કર્મચારીઓના FSL ટેસ્ટ કરાવવામાં આવશે. FSL ટેસ્ટ મારફતે પોલીસ ગુમ થયેલા સોના પાછળ કોનો હાથ છે, તે જાણીને ભેદી ચોરીનો પર્દાફાશ કરવા માંગે છે. ગ્રાહકોના સોનાની સુરક્ષા સામે સવાલ ઊભા થતાં આ મામલે રાજકોટમાં તંગદિલીનો માહોલ છે.
આ પણ વાંચો : Rajkot માં બે મહિલા ઇન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી જાણો શું કહ્યું…


