– વૈશ્વિક ડોલર ઘટતાં તથા ક્રૂડતેલના ભાવ તૂટી જતાં કરન્સી બજારમાં રૂપિયામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો
– વૈશ્વિક સોનું ૨૦૦૪ ડોલર થયા પછી ફરી નીચે ઉતર્યું
Updated: Nov 5th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૨૦૦૪ થયા પછી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૧૯૯૨થી ૧૯૯૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં જોબગ્રોથના ડેટા નબળા આવતાં ત્યાં હવે પછી આગળ ઉપર ફુગાવાનો વૃધ્ધિ દર ધીમો પડવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા.
આના પગલે ત્યાં આગળ ઉપર વ્યાજના દર વધુ ફુગાવાના બદલે હવે ઘટવાની શક્યતા વધતાં વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચેથી નીચો ઉતરતાં તથા બોન્ડ યીલ્ડમાં પણ પીછેહટ થતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધતાં સોનાના ભાવ વધતા જોવા મળ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ઉંચામાં ૨૩.૩૦ થઈ છેલ્લે ૨૩.૨૧થી ૨૩.૨૨ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારોમાં તહેવારો ટાંણે સોના- ચાંદીના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૭૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૨૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૦૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૮ વાળા તૂટી રૂ.૮૩.૧૨થી ૮૩.૧૩ બોલાતા થયા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૦ વાળા ૯૩૯ થઈ ૯૩૪થી ૯૩૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૩૧ વાળા ૧૧૩૪ થયા પછી ૧૧૨૧થી ૧૧૨૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૨૫ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટી ગયાના સમાચાર હતા. આના પગલે પણ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયાના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી. ક્રૂડતેલમાં નવી માગ ધીમી હતી. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૮૭.૬૪ વાળા ગબડી નીચામા ં૮૪.૫૬ થઈ ૮૪.૮૯ ડોલર છેલ્લે રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડતેલના ભાવ ૮૩.૪૮ વાળા નીચામાં ૮૦.૧૦ થઈ છેલ્લે ભાવ ૮૦.૫૧ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૮૩૦ વાળા રૂ.૬૦૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૦૭૫ વાળા રૂ.૬૧૧૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૭૭૧ વાળા રૂ.૭૨૦૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.