મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સ્તરે ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ વકરી રહ્યાના વાવડ હતા. આના પગલે વૈશ્વિક સોનામાં સેફ હેવન સ્વરૂપમાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.
વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં તહેવારો ટાંણે ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૧૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૭૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૭૩ હજારને આંબી ગયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ૧૯૪૫થી ૧૯૪૬ ડોલર બોલાતાં સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઉંચકાઈ ઔંશદીઠ ૨૩ ડોલર પાર કરીભાવ ૨૩.૨૦થી ૨૩.૨૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ૯૦૫થી ૯૦૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૩૨થી ૧૧૩૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૯ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉછળતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી.
ઈઝરાયલ તથા પેલેસ્ટાઈનના સંઘર્ષમાં ઈરાન પણ એક્ટીવ થયાના વાવડ હતા. આના પગલે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ઉંચામાં ૯૩ ડોલર થઈ ૯૧.૪૦ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ વધી ૮૯.૮૮ થઈ ૮૮.૦૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૦૪૬ વાળા રૂ.૫૯૬૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૨૮૩ વાળા રૂ.૫૯૮૪૦ રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૮૪૬ વાળા રૂ.૭૨૧૯૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.