– અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૧૯ લાખ બેરલ્સ વધતાં ભાવ તૂટયા
– ચાંદીએ રૂ.૭૨૦૦૦ની સપાટી ગુમાવી: બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૦ ડોલર નજીક જતા રહ્યા જે તાજેતરમાં ૯૭ ડોલર થયા હતા
Updated: Nov 9th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. દિવાળી ટાંણે ભાવ ઘટતાં જો કે બજારમાં તહેવારોની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૬૦થી ૧૯૬૧ વાળા ઉંચામાં ૧૯૭૧ તથા નીચામાં ૧૯૫૯ થઈ ૧૯૬૨થી ૧૯૬૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં ગયા વર્ષે દિવાળી ટાંણે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૬૨૫ રહ્યા હતા તથા આજે ભાવ રૂ.૬૦૨૯૮ રહ્યા હતા. આ જોતાં દિવાળી ટાંણે વાર્ષિક ભાવ વૃદ્ધી આશરે રૂ.૯૭૦૦ની થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ ભાવ જીએસટી સાથેના ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આજે ઔંશના ૨૨.૫૩ વાળા ૨૨.૩૦ થઈ ૨૨.૪૦થી ૨૨.૪૧ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ ઘટી રૂ.૭૧૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૯૬ વાળા ૮૭૯ થઈ ૮૮૧થી ૮૮૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૯૫ વાળા નીચામાં ૧૦૧૨ થઇ ૧૦૨૦થી ૧૦૨૧ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૩ ટકા નરમ હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૬૦૩૩૬ વાળા રૂ.૬૦૨૯૮ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૫૭૯ વાળા રૂ.૬૦૫૪૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૭૦૫ વાળા રૂ.૭૦૨૦૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ ગબડતાં જુલાઈ પછીના નવા તળિયે ઉતરી ગયા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૧૯ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. અમેરિકાથી નિકાસ વધી છે. ઓપેકના દેશોમાંથી પણ ક્રૂડની નિકાસ વધી છે. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૮૩.૭૧ વાળા ગબડી ૮૦.૩૫ થઈ ૮૦.૫૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૯.૪૯ વાળા નીચામાં ૭૬.૦૬ થઈ ૭૬.૨૦ ડોલર રહ્યા હતા.