– ક્રૂડમાં ઉત્પાદન કાપ ચાલુ રાખવાનો ઉત્પાદક દેશોએ નિર્ણય કર્યો છતાં વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો
Updated: Oct 5th, 2023
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા હતા જ્યારે સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં પણ આજે મંદીને બ્રેક વાગી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૬થી ૧૮૨૭ વાળા નીચામાં ૧૮૧૬ થયા પછી ઉંચામાં ભાવ ૧૮૩૦ થઇ ૧૮૨૬થી ૧૮૨૭ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે ફંડોનું બાઇંગ ફરી વધ્યાની અસર હ તી.
અમેરિકામાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોથ ૧ લાખ ૫૩ હજાર આવવાની અપે૭ા હતી પરંતુ હકીકતમાં આવો જોબગ્રોથ માત્ર ૮૯ હજાર આવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં વ્યાજદરમાં વૃદ્ધીનો વેગ ધીમો પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૧.૦૫થી ૨૧.૦૬ વાળા નીચામાં ૨૦.૯૬ થયા પછી ભાવ વધી ૨૧.૩૯ થઇ ૨૧.૨૩થી ૨૧.૨૪ ડોલર રહ્યા હતા.
ઘર આંગણે અમદાવાદ ચાંદીના ભાવ ઘટતા અટકી કિલોના રૂા. ૬૯૫૦૦ના મથાળે શાંત હતા. અમદાવાદ સોનાના ભાવ પણ ઘટતા અટકી ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૫૮૯૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૯૧૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૦થી ૮૮૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૮૬થી ૧૧૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૪૦ ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટક્રુડ તેલના ભાવ બેરલદીઠ ૯૦.૧૮ વાળા ૮૮.૭૫ થઇ ૮૮.૯૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રુડના ભાવ ૮૮.૩૧ વાળા નીચામાં ૮૬.૯૯ થઇ ૮૭.૧૧ ડોલર બોલાઇ રહ્યા હતા. નવી માગ ધીમી હતી. જો કે સાઉદી અરેબીયા સહિતના ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન કાપ ૯.૬ રાખવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૪૪૮ વાળા રૂા. ૫૬૩૦૧ થઇ રૂા. ૫૬૪૨૬ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૬૭૫ વાળા રૂા. ૫૬૫૨૭ થઇ રૂા. ૫૬૬૫૩ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૭૦૩૭ વાળા રૂા. ૬૭૪૪૬ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.