ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
સીંગતેલના ડબ્બા ભરી અમદાવાદ ડિલિવરી આપવા નીકળ્યા હતાં
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલના ભોજપરા ગામ પાસે આવેલ ઓઇલ મીલમાંથી ભરેલ સીંગતેલ સમેત ટ્રક લઈ રાજસ્થાની બેલડી ફરાર થઈ 28.13 લાખની ઠગાઈ આચરતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જેતપુરના નવાગઢમાં રહેતાં રાજેશભાઈ ઉર્ફે આયુષ જીતેશભાઈ સંખેસરીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પંકજ બન્ના અને સુરેશ (રહે. બંને રાજસ્થાન) નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે છેતરપીંડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જેતપુર, નવાગઢ ખાતે લાખણેચી કૃપા ટ્રાન્સપોર્ટ નામથી ટ્રાન્સપોર્ટનો આઠેક મહીનાથી ધંધો કરે છે. ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ માલીકની આશરે 30 જેટલી ગાડીઓ ચાલે છે.
ત્રણેક મહીનાથી દર્શનલાલ બિહારીલાલ કંપની દિલ્લી વાળાની સાથે વેપાર ધંધો કરે છે. ગઇ તા.23ના બિહારીલાલનો ફોન આવેલ કે, ભોજપરા ગામ પાસે આવેલ ધુનલ ઓઇલ મીલ કંપનનીમાંથી 471 સીંગતેલના ડબ્બા ભરી અમદાવાદ ગાડી મોકલવાની છે.
જેથી તેઓએ રાજકોટના યશભાઈ મુંધવાને ફોન કરી કહેલ કે, મારે ગાડીની જરૂર છે અને ભોજપરા ગામ પાસે આવેલ ધનલક્ષ્મી કારખાનામાંથી સીંગતેલના ડબ્બા ભરી શાંતેજ અમદાવાદ ખાતે તા.24 ના રોજ મોકલવાના છે.
જેથી યશભાઇએ ગાડી નં.GJ-04-AW-9239 બે ડ્રાઇવર સાથે મોકલેલ. જેમાં ડ્રાઇવર તરીકે પંકજ બન્ના અને સુરેશ હતો. જેમણે ભોજપરા ગામ પાસે આવેલ ધનલક્ષ્મી ઓઈલ મીલમાંથી સીંગતેલના 476 ડબ્બાની ગાડી ભરેલ, ગાડીના ડ્રાઇવર પંકજને લોકેશન મોકલેલ જ્યાં ખાલી કરવાનું કહેલ હતું.
ગાડી ગઇ તા.24 ના સાંજના આશરે છએક વાગ્યાના વખતે તેલના ડબ્બા ભરી અમદાવાદ ખાતે જવા રવાના થયેલ અને ગઈકાલે સવારના દસેક વાગ્યાના વખતે ગાડીના માલીક યશભાઇનો ફોન આવેલ કે, ગાડીના ડ્રાઇવરોને ફોન લાગતા નથી, ગાડી જ્યાં ખાલી કરવાની હતી ત્યાં પુછો કે ગાડી પહોંચી ગયેલ છે કે નહીં?
જેથી જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં ગાડી બાબતે પુછતા ગાડી ન આવેલ હોવાનું જણાવેલ હતું. ગાડીના ડ્રાઇવરના ફોન બંધ આવતા હોય જેથી શંકા જતા યુવક અને ગાડીના માલીક યશભાઇ ગોંડલથી અમદાવાદ સુધીની લાઇન રૂટની તપાસ કરવા લાગેલ.
આ દરમ્યાન જાણવા મળેલ કે યશભાઇની આયસર ગાડી અમદાવાદના એસ.પી. રીંગ રોડ, ત્રાગડ તોલનાકાએ વહેલી સવારના આશરે 03/45 વાગ્યે નિકળેલ હોવાનું જણાય આવેલ અને આ રૂટ ઉપર આગળ તપાસ કરતા ગાડી બાબતે કોઈ માહીતી મળેલ નહીં.
આ બંને ડ્રાઇવરોના મોબાઇલ ફોન બંધ આવે છે. જેથી બંને ડ્રાઈવર આઈશર ગાડીમાં સીંગતેલના 476 ડબ્બા રૂ.1,13,13, 734 નો મુદ્દામાલ શાંતેજ અમદાવાદ ખાતે ખાલી કરવા રવાના થયેલ હોય પરંતુ પોતાના અંગત આર્થિક લાભ મેળવવા રૂ.13.13 લાખનું સીંગતેલ અને ગાડી રૂ.15 લાખ મળી કુલ રૂ.28.13 લાખનો મુદામાલ બારોબાર લઈ જઈ છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે તપાસ આદરી હતી.


