મૃતક યુવાનની બે માસ પૂર્વે જ સગાઇ થઇ’તી
ટ્રિપલ સવારીમાં જતાં બાઇકને ટ્રકે ઠોકર મારી, બે ઘાયલ
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ નેશનલ હાઈવે પર સતત વધતા અકસ્માતોની હારમાળામાં વધુ એક લોહિયાળ અકસ્માત સર્જાયો છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામ પાસે હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગોંડલના મોવિયા રોડ વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો બાઈક પર સવાર થઈ જેતપુર ખાતે ફેબ્રિકેશનના કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોરડી ગામની ગોળાઈ પાસે માર્ગ પર ચાલી રહેલી સિક્સલેનની કામગીરીને કારણે રસ્તો સિંગલ કરવામાં આવ્યો હતો. અહીં હાઈવે ઓથોરિટી દ્વારા આડેધડ મૂકવામાં આવેલા સિમેન્ટના ડિવાઈડર (ગડર) અને ટ્રકની ટક્કરને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સિક્સલેનનું કામ ચાલી રહ્યું હોવા છતાં સુરક્ષાના પૂરતા સાધનો કે યોગ્ય સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા નથી. રસ્તા પર આડેધડ મૂકાયેલા સિમેન્ટના ગડર સાથે બાઈક અથડાતા 20 વર્ષીય શકીલ મસ્કતીનું માથું અથડાવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મૃતક શકીલ હબીબભાઈ મસ્કતી (ઉં.વ. 20) – જેની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી. તે છ ભાઈઓમાં ત્રીજા નંબરનો પુત્ર હતો. જયારે ઈજાગ્રસ્ત નઝીર ફિરોજભાઈ મકવાણા (ઉં.વ. 20), જુનેદ ગુલાબભાઈ મકવાણા (ઉં.વ. 24)ને અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે મૃતક શકીલના દેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એક તરફ રોડના કામને કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઓથોરિટીની આવી બેદરકારીને કારણે અનેક પરિવારોના ચિરાગ બુઝાઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ગોંડલમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


