ભારતમાં એપ આધારિત ટેક્સી સેવાઓના ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાનો છે. ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓની મનમાની સામે હવે સરકાર પોતાનું સહકારી મોડેલ આધારિત પ્લેટફોર્મ લઈને આવી રહી છે. ‘ભારત ટેક્સી’ નામની આ નવી એપ 1 જાન્યુઆરી, 2026થી સત્તાવાર રીતે લોન્ચ થશે, જે મુસાફરોને સસ્તી, પારદર્શક અને સલામત મુસાફરીનો લાભ આપશે, સાથે જ ડ્રાઇવરોને વધુ કમાણી અને સન્માન આપવાનો ઉદ્દેશ ધરાવે છે.
કેન્દ્રીય સરકાર દ્વારા જાહેરાત
કેન્દ્રીય સહકાર મંત્રાલયના નેજા હેઠળ આ એપ લોન્ચ કરવામાં આવી રહી છે. હાલ દિલ્હી-NCRમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. નાફેડ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી ખાતે ડ્રાઇવરો અને મુસાફરો બંનેમાં આ એપ પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે. સરકારનું આયોજન છે કે જાન્યુઆરી 2026થી દેશના મોટા શહેરોમાં આ એપને મોટા સ્તરે લોન્ચ કરવામાં આવશે.
અનેક સુવિધાઓ આપવામાં આવશે
ભારત ટેક્સી એપ કાર્યપદ્ધતિની દ્રષ્ટિએ ઓલા અને ઉબેર જેવી જ હશે, પરંતુ તેમાં અનેક એવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે જે સામાન્ય જનતા અને ડ્રાઇવરો બંને માટે લાભદાયી સાબિત થશે. આ એપ દ્વારા બાઇક, ઓટો અને કાર જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે. સમગ્ર વ્યવસ્થા સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેથી બંને પક્ષોના હિતોની રક્ષા થઈ શકે.
ડ્રાઇવરો માટે સારો વિકલ્પ
ડ્રાઇવરો માટે ભારત ટેક્સી એક વિશ્વસનીય વિકલ્પ બની રહી છે. દિલ્હીના ટેક્સી ડ્રાઇવર શિવ કુમાર જણાવે છે કે તેઓ પહેલા ઓલા અને ઉબેર સાથે જોડાયેલા હતા, પરંતુ હવે ભારત ટેક્સી એપ પસંદ કરી છે કારણ કે અહીં કમાણી વધુ છે અને નિયંત્રણ પણ ડ્રાઇવરોના હાથમાં રહે છે. અન્ય ડ્રાઇવરનું માનવું છે કે આ મોડેલ દેશ માટે આવક અને રોજગારનું મજબૂત સ્ત્રોત બની શકે છે, કારણ કે આમાંથી મળતો નફો દેશમાં જ રહેશે.
દિલ્હીમાં 40 કેન્દ્રો
હાલ દિલ્હીમાં 40 કેન્દ્રો પર ડ્રાઇવરોની નોંધણી ચાલી રહી છે અને દરરોજ આશરે 2,000 ડ્રાઇવરો એપમાં જોડાઈ રહ્યા છે. ભવિષ્યમાં આ સંખ્યા વધુ વધવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે ભારત ટેક્સીમાં કોઈ સરજ પ્રાઈસિંગ નથી. વરસાદ, ટ્રાફિક કે વધારે માંગ હોવા છતાં ભાડું વધારવામાં આવશે નહીં. મુસાફરોને પહેલેથી જ નક્કી થયેલું ભાડું દેખાશે, જેથી ઊંચા બિલનો ભય રહેશે નહીં.
ડ્રાઇવરો પાસેથી કોઇ પણ કમિશન નહીં લેવામાં આવે
ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નહીં આવે. તેઓ ફક્ત દૈનિક, સાપ્તાહિક અથવા માસિક સભ્યપદ ફી ચૂકવશે, જેના કારણે તેમની બચત નોંધપાત્ર રીતે વધશે. આગળ જઈને ડ્રાઇવરોને વાહન ખરીદવા માટે લોનની સુવિધા પણ આપવામાં આવશે, જેથી રોજગારની તકો વધારી શકાય. સલામતી બાબતે પણ ભારત ટેક્સી ખાસ ધ્યાન આપશે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ સાથે કરાર કરવામાં આવ્યા છે. એપમાં રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, ચકાસાયેલા ડ્રાઇવરો, બહુભાષી સપોર્ટ અને 24×7 હેલ્પલાઇન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
પ્લે સ્ટોર પર ટ્રાયલ મોડમાં
ભારત ટેક્સી એપ હાલ પ્લે સ્ટોર પર ટ્રાયલ મોડમાં ઉપલબ્ધ છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ સત્તાવાર લોન્ચ બાદ તેને રાજકોટ, મુંબઈ, પુણે, ભોપાલ, લખનૌ, જયપુર સહિત 20થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવામાં આવશે. ભારત ટેક્સીના આગમનથી મુસાફરોને સસ્તી અને સલામત સવારી મળશે, જ્યારે ડ્રાઇવરોને સારી કમાણી અને સન્માન મળશે. એપ આધારિત ટેક્સી સેવાઓના ક્ષેત્રમાં ભારત હવે પોતાનું મજબૂત અને વિશ્વસનીય પ્લેટફોર્મ ઉભું કરવા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો : Stock Market Closing: લાલ નિશાનમાં માર્કેટ બંધ, સેન્સેક્સ 84,481 અંકે બંધ


