અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. હવે પાસપોર્ટ, વિઝા અને OCI જેવી મહત્વપૂર્ણ સેવાઓ માટે લાંબી મુસાફરી કરવી કે કલાકો સુધી રાહ જોવી નહીં પડે. લોસ એન્જલસમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે, જે અમેરિકામાં વસતા ભારતીયોના જીવનને વધુ સરળ બનાવશે.
15 ડિસેમ્બર, 2025થી કાર્યરત થશે
USમાં વસતા ભારતીય સમુદાય માટે આ એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય છે. પાસપોર્ટ, વિઝા, OCI કાર્ડ સહિતની અનેક કોન્સ્યુલર સેવાઓ માટે અત્યાર સુધી લોકોને દૂર આવેલા કેન્દ્રોમાં જવું પડતું હતું. હવે આ તમામ સેવાઓ લોસ એન્જલસમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. CGI લોસ એન્જલસે જાહેરાત કરી છે કે આ નવું કેન્દ્ર 15 ડિસેમ્બર, 2025થી કાર્યરત થશે અને તેનો સંચાલન VFS ગ્લોબલ દ્વારા કરવામાં આવશે.
શનિવારે પણ સેવાઓ આપવામાં આવશે
નવું કોન્સ્યુલર સેન્ટર ડાઉનટાઉન લોસ એન્જલસમાં 800 સાઉથ ફિગ્યુરોઆ સ્ટ્રીટ પર સ્થિત રહેશે. આ કેન્દ્ર સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને ખાસ વાત એ છે કે કામકાજ કરતા લોકોની સુવિધા માટે શનિવારે પણ સેવાઓ આપવામાં આવશે. આથી લોકોને રજા લેવાની જરૂર નહીં પડે અને સમય બચશે.
ભારતીય પાસપોર્ટ સેવાઓ
આ કેન્દ્રમાં ભારતીય પાસપોર્ટ સેવાઓ, વિઝા અરજી, OCI કાર્ડ, ભારતીય નાગરિકત્વનો ત્યાગ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ તેમજ દસ્તાવેજોના પ્રમાણીકરણ જેવી અનેક મહત્વપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ રહેશે. હવે વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ઓફિસોમાં જવાની ઝંઝટ દૂર થશે અને સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બનશે.
સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
CGI લોસ એન્જલસે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે આ કેન્દ્ર અમેરિકામાં વસતા ભારતીય ડાયસ્પોરાની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે. આ પગલું માત્ર સેવાઓને ઝડપી બનાવશે એટલું જ નહીં, પરંતુ લોકોને માનસિક અને આર્થિક રાહત પણ આપશે. લોસ એન્જલસ અને આસપાસના રાજ્યોમાં રહેતા લાખો ભારતીયો માટે આ કેન્દ્ર એક વિશ્વસનીય અને સુવિધાજનક એક-સ્ટોપ ઉકેલ સાબિત થશે. આ નિર્ણય ભારતીય સમુદાય અને ભારત સરકાર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને લોકોને રોજિંદા જીવનમાં મોટી સહુલિયત આપશે.


